રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેપારને જડમૂળથી નાબૂદ કરવા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશમાં રાજકોટ ગ્રામ્ય પોલીસની એસ.ઓ.જી. શાખાને મોટી સફળતા મળી છે.
ઉપલેટાના ચીખલીયા ગામે આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને પોલીસે વનસ્પતિજન્ય ગાંજાના મોટા જથ્થા સાથે આ કાળા કારોબારના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. મકાનમાંથી ૧૭ કિલોથી વધુ ગાંજા મળી આવતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસે નશાના આ રેકેટનો પર્દાફાશ કરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસને મળેલી ગુપ્ત માહિતી અનુસાર, ચીખલીયા ગામે મોટી મારડ રોડ પર કે.જી.એન. દુકાન પાસે આવેલા રહેણાંક મકાનમાં ગાંજાનો મોટો જથ્થો છુપાવીને રાખવામાં આવ્યો હતો. આ માહિતીના આધારે એસ.ઓ.જી.ની ટીમે સરકારી પંચ અને એફ.એસ.એલ. અધિકારીઓ સાથે દરોડો પાડ્યો હતો.
મકાનની તપાસ દરમિયાન દક્ષિણ બાજુના રૂમમાંથી એક પીળા રંગનું મોટું પ્લાÂસ્ટકનું બાચકું મળી આવ્યું હતું, જેમાંથી તીવ્ર વાસવાળો લીલાશ પડતો અને ભૂરા રંગનો ગાંજાનો જથ્થો મળ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ૨૩ વર્ષીય મુખ્ય આરોપી સીરાજ હનીફભાઈ વિસરની ધરપકડ કરી હતી.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં માદક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિ સંપૂર્ણપણે નાબૂદ કરવા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ એસ.ઓ.જી. ટીમ કાર્યરત હતી. ત્યારે ચીખલીયા ગામના સીરાજ હનીફભાઈ વિસર પોતાના રહેણાંક મકાનમાં ગાંજા રાખતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
દરોડા દરમિયાન મકાનમાંથી કુલ ૧૭ કિલો ૩૪૨ ગ્રામ ગાંજા મળી આવ્યો હતો, જેની કિંમત આશરે ૮ લાખ ૬૭ હજાર ૧૦૦ રૂપિયા છે. પોલીસે ગાંજા સાથે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૮,૭૨,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાથમિક પૂછપરછમાં સીરાજે ભાયાવદરના નવાજ અસરફભાઈ મધરા અને ઉપલેટાના વસીમ ઇકબાલ રફાઈના નામ ખુલાવ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ ભાગીદારીમાં વેચાણ માટે આ ગાંજા મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે.
એફ.એસ.એલ. સાયન્ટિફિક ઓફિસરે નાર્કોટિક્સ ટેસ્ટિંગ કીટથી પરીક્ષણ કરતાં આ જથ્થામાં કેનાબીસના સક્રિય તત્વો હોવાનું પ્રમાણિત થયું હતું. સરકારી વજનકાંટે નેટ વજન ૧૭ કિલો ૩૪૨ ગ્રામ નોંધાયું હતું.
આ મામલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓને અટકાયતમાં લઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશ રાજેન્દ્રકુમાર પટેલ કરી રહ્યા છે.





































