રાજકોટ શહેરમાં સામાન્ય બોલાચાલીનો મામલો હત્યા સુધી પહોંચતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના નાનામૌવા ગામ નજીક વાહન ધીમું ચલાવવા અંગે થયેલા વિવાદ બાદ એક યુવક પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાના થોડા જ કલાકોમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે, જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે.
પ્રાથમિક તપાસ મુજબ, ઘટના ૮ જુલાઈની રાત્રે નાનામૌવા ગામતળ વિસ્તારમાં બની હતી. પુરપાટ ઝડપે બુલેટ મોટરસાયકલ ચલાવવાના મુદ્દે કૃષ્ણસિંહ જાડેજા અને એક સગીર વચ્ચે બોલાચાલી થઈ હતી. વાત વધતા બંને વચ્ચે ઝપાઝપી થઈ અને સગીરને થપ્પડ મારવામાં આવી હોવાનું સામે આવ્યું છે.આ ઘટનાથી નારાજ સગીરે પોતાના મોટા ભાઈ અને પિતાને ફોન કરીને સ્થળ પર બોલાવ્યા હતા.થોડીવાર બાદ આરોપી પિતા પોતાના બંને પુત્રો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીએ પહેલા હવામાં ફાયરિંગ કરીને દહેશત ફેલાવી અને ત્યારબાદ કૃષ્ણસિંહ પર નજીકથી ગોળીબાર કર્યો.ગોળી માથા અને પેટના ભાગે વાગતાં કૃષ્ણસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોÂસ્પટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.પોલીસ ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે હુમલા દરમિયાન આરોપીના બંને પુત્રોએ પોતાના પિતાને વધુ ગોળી ચલાવવા માટે ઉશ્કેર્યા હતા. આ સમગ્ર ઘટના હવે પોલીસ તપાસનો મહત્વનો ભાગ બની છે.ઘટના દરમિયાન વચ્ચે પડેલા મૃતકના ૭૨ વર્ષીય વડીલ સગાને પણ હુમલો કરીને ઇજા પહોંચાડવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.હત્યાની ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો દોર શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન મુખ્ય આરોપી, તેનો એક પુત્ર અને એક સગીરને રાજકોટ-ભાવનગર હાઇવે પર સરધાર નજીકથી ઝડપી લેવામાં આવ્યા હતા.પોલીસે તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની હત્યા સહિતની વિવિધ કલમો તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરશે. રિમાન્ડ દરમિયાન હત્યામાં વપરાયેલ હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું, ઘટનાક્રમનું પુનઃનિર્માણ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરાશે. મૃતક કૃષ્ણસિંહ જાડેજા હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેમના અવસાનથી વૃદ્ધ માતા-પિતા ઉપરાંત પાંચ વર્ષના પુત્ર અને દોઢ વર્ષની પુત્રી પિતાની છત્રછાયા ગુમાવી બેઠા છે. સામાન્ય વિવાદે આખા પરિવારને અપૂર્ણિય નુકસાન પહોંચાડતાં સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનું વાતાવરણ છે.







































