બગસરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા સંસ્થાના નિર્ણયો લોકશાહી ઢબે લેવાને બદલે મનસ્વી રીતે લેવામાં આવતા હોવાના આક્ષેપો સાથે સંસ્થાના સદસ્યોએ ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે. તાજેતરમાં બગસરાની સરકારી હોસ્પિટલમાં સુવિધાઓ વધારવા બાબતે ચેમ્બર દ્વારા જે મહત્વપૂર્ણ આંદોલનનું એલાન કરવામાં આવ્યું હતું, જે આંદોલનને ચેમ્બરના પ્રમુખદ્વારા કોઈ પણ પ્રકારની ચર્ચા કે કારોબારી સમિતિના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના એકતરફી રીતે મોકૂફ રાખી દેવામાં આવ્યું છે. આ પ્રકારના અચાનક અને એકતરફી નિર્ણયને લીધે સંસ્થાની ગરિમા અને લોકશાહી મૂલ્યોનું હનન થયું હોવાની લાગણી સદસ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સંસ્થાના સદસ્યોની માંગ છે કે હોસ્પિટલના આંદોલનને કયા કારણોસર મોકૂફ રાખવામાં આવ્યું તેની
યોગ્ય સ્પષ્ટતા તત્કાલ ધોરણે કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈપણ નાના-મોટા નિર્ણયો તમામ હોદ્દેદારો તેમજ કારોબારી સદસ્યોની સંમતિથી જ લેવામાં આવે. જો આ બાબતે સંતોષકારક ખુલાસો કે પગલાં લેવામાં નહીં આવે, તો સંસ્થાના હિત ખાતર આગામી રણનીતિ ઘડવાની ફરજ પડશે તેવી ચીમકી જમાલભાઈ પી.સરવૈયા, અનિલકુમાર શેખ, નિલેશકુમાર દેશાણી, જયેશભાઈ પંડ્‌યા, જયસુખભાઈ ઘાડિયા, રાહુલભાઈ રૂપડાં, નાગજીભાઈ ધાધલ, વિપુલભાઈ પંડ્યા, નાગજીભાઈ રાદડિયા, અને ભરતભાઈ પટેલ સહિતના સદસ્યોએ ઉચ્ચારી છે.હોસ્પિટલનું આંદોલન ક્યાં કારણોસર મોકૂફ રાખવામાં આવ્યુ લોકોમાં સવાલહાલ બગસરાની સરકારી હોસ્પિટલમાં એક લાખની વસતી સામે માત્ર એક તબીબ ફરજ બજાવી રહ્યા છે. બગસરાની હોસ્પિટલમાં ડાયાલિસિસની સુવિધામાં વધારો કરવાની બદલે ઘટાડો થઈ રહ્યો છે. એવા સમયે ચેમ્બરના પ્રમુખે આંદોલન મોકૂફ રાખી દેતા વેપારીઓમાં પણ અસંતોષ ફેલાયો છે.