કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન અમદાવાદના સાયન્સ સિટી સહિત વિવિધ વિસ્તારોમાં તેમના હસ્તે સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના સંકલ્પને આગળ વધારવાના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર હિતેશ બારોટ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ જાળવણી અંગે સંબોધન કરતાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની સાથે પર્યાવરણના સંરક્ષણને પણ સમાન મહત્વ આપ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલ તે સમય માટે દૂરંદેશી નિર્ણય હતો, જેના કારણે પર્યાવરણ સંબંધિત અનેક મહત્વપૂર્ણ યોજનાઓને વેગ મળ્યો
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારે “કેચ ધ રેઈન” થીમને પણ અપનાવી છે, જેથી વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરી શકાય અને જળ સંરક્ષણને પ્રોત્સાહન મળે. તેમણે જણાવ્યું કે રાજ્યના શહેરો અને નગરોમાં ગ્રીન કવચ વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વૃક્ષારોપણ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ આવનારી પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ આપવાની દિશામાં પણ એક મહત્વપૂર્ણ પગલું છે
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ૧ કરોડ વૃક્ષો વાવવાનો મહ¥વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ અભિયાન દ્વારા પર્યાવરણનું સંરક્ષણ કરવાની સાથે હરિયાળો વિસ્તાર વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવશે. તેમણે તમામ નાગરિકોને આ અભિયાનમાં જાડાઈને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાની અપીલ કરી.
કાર્યક્રમ દરમિયાન અમદાવાદના મેયર હિતેશ બારોટે પણ સંબોધન કર્યું હતું. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કરતાં કહ્યું કે “હરિયાળી ગાંધીનગર”નું સૂત્ર આપનાર અમિત શાહના માર્ગદર્શન હેઠળ આજે એક મહત્વપૂર્ણ અભિયાનની શરૂઆત થઈ છે. તેમણે જણાવ્યું કે આજે રૂ. ૪૦૫ કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવશે.
મેયરે વધુમાં જણાવ્યું કે આજે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ૧ કરોડથી વધુ વૃક્ષો વાવવાના અભિયાનની શરૂઆત થઈ છે. આ અંતર્ગત ગાંધીનગર લોકસભા વિસ્તારની કુલ ૪૦૩ જગ્યાઓ પર વૃક્ષારોપણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સહયોગ અને ઉદારતાના કારણે અનેક પ્લોટ ઉપલબ્ધ થયા છે, જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકા પણ શહેરની ૩૫ અલગ-અલગ જગ્યાઓ પર વૃક્ષારોપણનું આયોજન કરી રહી છે. આ સમગ્ર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણનું સંરક્ષણ, હરિયાળી વધારવી, વરસાદી પાણીનું સંવર્ધન કરવું અને આવનારી પેઢીને સ્વચ્છ તથા સ્વસ્થ વાતાવરણ આપવાનો છે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલું આ મહાઅભિયાન પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું મહત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.







































