અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટે સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય આપતા સ્પષ્ટ કર્યું છે કે નિવૃત્તિ બાદ સરકારી કર્મચારીઓને સરકારી ક્વાર્ટર પર કોઈ કાનૂની હક્ક રહેતો નથી. કોર્ટે જણાવ્યું છે કે કર્મચારીની નિવૃત્તિ સાથે જ તેને ફાળવાયેલ સરકારી આવાસની ફાળવણી સમાપ્ત થઈ જાય છે અને ત્યારબાદ ક્વાર્ટર પર કબજા જાળવી રાખવાનો કોઈ અધિકાર રહેતો નથી.હાઇકોર્ટે પોતાના મહત્વના અવલોકનમાં જણાવ્યું કે નિવૃત્તિ પછી સરકારી ક્વાર્ટર પર અનધિકૃત રીતે કબજા જાળવી રાખવો ગેરકાયદેસર છે. આવા કબજાના કારણે અન્ય હકદાર સરકારી કર્મચારીઓ જનતાના દુર્લભ સંસાધનનો લાભ મેળવી શકતા નથી. કોર્ટે નોંધ્યું કે સરકારી આવાસો જાહેર સંપત્તિ છે અને તેનો ઉપયોગ માત્ર નિયમો અનુસાર અધિકૃત કર્મચારીઓ દ્વારા જ થવો જાઈએ.
કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે નિવૃત્તિ બાદ સરકારી કર્મચારીને ફાળવાયેલ ક્વાર્ટર ખરીદવાનો, પોતાના નામે કાયમી રાખવાનો અથવા સતત ઉપયોગ કરવાનો કોઈ જ કાનૂની અધિકાર મળતો નથી. સરકારી આવાસ માત્ર ફરજ દરમિયાન આપવામાં આવતી સુવિધા છે અને સેવા પૂર્ણ થયા બાદ તે સરકારને પરત સોંપવો જરૂરી બને છે.
આ મામલે કર્મચારી એસોસિયેશન દ્વારા કરવામાં આવેલી અરજીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે અરજીને યોગ્ય આધાર વિનાની ગણાવી અને અરજદાર કર્મચારી એસોસિયેશન પર ૧૦ હજારનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટના આ નિર્ણયથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સરકારી મિલકત પર નિયમો વિરુદ્ધ કબજા રાખવાની મંજૂરી આપી શકાય નહીં.
ગુજરાત હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં ભારપૂર્વક જણાવ્યું કે સરકારી ક્વાર્ટર્સ જેવી જાહેર સંપત્તિ મર્યાદિત સંસાધન છે. જા નિવૃત્ત કર્મચારીઓ અનધિકૃત રીતે ક્વાર્ટર ખાલી ન કરે તો ફરજ બજાવી રહેલા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓને આવાસની સુવિધાથી વંચિત રહેવું પડે છે. આવી સ્થિતિ જાહેર હિતની વિરુદ્ધ હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે.આ મહત્વપૂર્ણ ચુકાદા બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે સરકારી કર્મચારી નિવૃત્ત થતાં જ સરકારી ક્વાર્ટરની ફાળવણી આપમેળે સમાપ્ત થઈ જાય છે અને ત્યારબાદ તે ક્વાર્ટર પર કોઈ કાનૂની હક્ક રહેતો નથી. હાઇકોર્ટના આ નિર્ણયને સરકારી આવાસોના નિયમિત સંચાલન અને જાહેર સંપત્તિના યોગ્ય ઉપયોગની દિશામાં મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે.









































