પાટણ જિલ્લાના ચાણસ્મા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતો એક આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયો છે. વિધવા સહાયના દાખલા જેવી સરકારી સેવાઓ માટે અરજદારો પાસે લાંચ માંગવાના કિસ્સામાં એસીબી દ્વારા આ સફળ ટ્રેપ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ચાણસ્મા મામલતદાર કચેરીમાં આઉટસોર્સ કર્મચારી તરીકે ફરજ બજાવતા પ્રકાશકુમાર ભરતસિંહ પરમાર સામે લાંચ માંગવાની ફરિયાદો ઉઠી હતી. આરોપી વિધવા સહાયના દાખલા કાઢી આપવા બદલ અરજદારો પાસે નિયમિતપણે લાંચની માંગણી કરતો હોવાની ચોક્કસ બાતમી એસીબીને મળી હતી.
આ ફરિયાદોને ગંભીરતાથી લઈને એસીબીની ટીમે એક ડીકોય (છટકું) ગોઠવ્યું હતું. આયોજન મુજબ, જ્યારે અરજદારે વિધવા સહાયના દાખલા માટેનો રૂ. ૮૦૦ નો લાંચનો મુદ્દામાલ આરોપીને આપ્યો, ત્યારે એસીબીએ તુરંત જ દરોડો પાડીને પ્રકાશકુમાર પરમારને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.
ચાણસ્મા મામલતદાર કચેરીના કંપાઉન્ડમાં જ એસીબીની આ કાર્યવાહી થતા અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. સરકારી કચેરીઓમાં વિનામૂલ્યે મળતી સેવાઓ માટે લાંચ માંગનારાઓ સામે એસીબીની આ કાર્યવાહીથી ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલ એસીબી દ્વારા આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.







































