ભારતે આ વર્ષે જૂનમાં રશિયા પાસેથી રેકોર્ડ પ્રમાણમાં ક્રૂડ ઓઇલ આયાત કર્યું, જે પાછલા મહિનાની તુલનામાં ૩૪ ટકાનો વધારો દર્શાવે છે. જાકે, આંતરરાષ્ટ્રીય ભાવમાં નરમાઈને કારણે આ સમયગાળા દરમિયાન રશિયાની તેલ નિકાસ આવકમાં ઘટાડો થયો હતો. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. અહેવાલ મુજબ, ભારતે જૂન મહિનામાં રશિયા પાસેથી ૪.૫ અબજ યુરોનું ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું, જે તેની કુલ ૫.૫ અબજ યુરોની અશ્મિભૂત ઇંધણ આયાતમાં ૮૩ ટકા હિસ્સો ધરાવે છે. આનાથી ભારત ચીન પછી રશિયા પાસેથી હાઇડ્રોકાર્બનનો બીજા સૌથી મોટો ખરીદનાર બન્યો છે.
જૂનમાં ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાતમાં માસિક ધોરણે ૫.૪ ટકાનો વધારો થયો. આ સમયગાળા દરમિયાન, ભારતીય રિફાઇનરીઓને રશિયન તેલની ડિલિવરીમાં નોંધપાત્ર વધારો થયો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરીને રશિયન તેલનો પુરવઠો મે મહિનાની સરખામણીમાં ૧૫૦ ટકા, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પારાદીપ રિફાઇનરીમાં ૧૨૬ ટકા, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન કોચી રિફાઇનરીમાં ૮૩ ટકા અને નાયરા એનર્જીની વાડીનાર રિફાઇનરીમાં ૪૫ ટકાનો વધારો થયો.
સીઆરઇએ અનુસાર, ભારતીય ખરીદીમાં વધારો થવાને કારણે જૂનમાં રશિયાના ક્રૂડ ઓઇલ નિકાસ વોલ્યુમમાં ૧૪ ટકાનો વધારો થયો. આમ છતાં, નીચા ભાવને કારણે રશિયાની દૈનિક ક્રૂડ ઓઇલ નિકાસ આવક ૮ ટકા ઘટીને ૩૪૮ મિલિયન યુરો પ્રતિ દિવસ થઈ. એકંદરે, રશિયાની દૈનિક અશ્મિભૂત ઇંધણ નિકાસ આવક ૧ ટકા ઘટીને ૭૩૪ મિલિયન યુરો થઈ, જ્યારે નિકાસનું પ્રમાણ ૭ ટકા વધ્યું.
અહેવાલમાં જણાવાયું છે કે જૂનમાં રશિયાથી ભારતે ૫.૫ અબજ યુરો મૂલ્યના અશ્મિભૂત ઇંધણમાં ૪.૫ અબજ યુરો મૂલ્યનું ક્રૂડ ઓઇલ, ૪૮૮ મિલિયન યુરો મૂલ્યના પેટ્રોલિયમ ઉત્પાદનો અને ૪૪૪ મિલિયન યુરો મૂલ્યના કોલસાનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, ભારત રશિયન ક્રૂડ ઓઇલમાંથી ઉત્પાદિત રિફાઇન્ડ ઇંધણના વૈÂશ્વક વેપારમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જૂનમાં, ભારત, તુર્કી, બ્રુનેઈ અને જ્યોર્જિયામાં રિફાઇનરીઓએ ૮૧૪ મિલિયન યુરો મૂલ્યના પેટ્રોલિયમ ઉત્પાદનો યુરોપિયન યુનિયન, યુનાઇટેડ સ્ટેટ્‌સ અને ઓસ્ટ્રેલિયાને નિકાસ કર્યા, જેમણે રશિયા પર પ્રતિબંધો લાદ્યા છે. આમાંથી, આશરે ૩૬૯ મિલિયન યુરો મૂલ્યના ઉત્પાદનો રશિયન ક્રૂડ ઓઇલમાંથી ઉત્પન્ન થયા હતા.