બગસરા શહેરના જેતપુર રોડ પર આવેલા શ્રીજી ટાયર સેન્ટરમાં મજૂરી કામ કરતા એક આધેડનું વીજ શોક લાગવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. મૃતક નરેન્દ્રસિંહ મુળુભાઈ સરવૈયા (ઉંમર વર્ષ ૪૦) આ દુકાનમાં ટાયર રીમોલ્ડિંગનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક તેમને જોરદાર ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો. શોર્ટ લાગતાની સાથે જ તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરો સારવાર શરૂ કરે તે પહેલા જ તેમનું પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. આ કમનસીબ ઘટનાની જાણ થતાં જ બગસરા પીજીવીસીએલ PGVCLની ટીમ તપાસ માટે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કારખાનામાં તપાસ હાથ ધરી હતી. મૃતકની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હતી અને તેઓ એકમાત્ર કમાનાર સભ્ય હતા. તેમના અવસાનથી ૧૨ વર્ષ અને ૫ વર્ષના બે માસૂમ પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે, જેથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.