રાજુલાના કડીયાળી ગામના એક શખ્સે ચોરીના કેસમાં ધરપકડ થયા બાદ જેલવાસની બીકે પોલીસ સ્ટેશનના બાથરૂમમાં પડેલું હાર્પિક પીને આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી હતી. કડીયાળી ગામના સંજયભાઇ ઉર્ફે સુનીલ ધનજીભાઇ ખસીયા (ઉ.વ.૨૫) વિરુધ્ધ મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેનો ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે પોલીસે તા. ૧૭/૦૮/૨૦૨૬ ના રોજ સાંજે ૪ઃ૦૦ વાગ્યાના અરસામાં તેની અટકાયત કરી હતી.આરોપી વિરુધ્ધ અગાઉ પણ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા હતા.જેથી ફરી જેલમાં જવું પડશે તેવા ભય અને જિંદગીથી કંટાળી જવાના કારણે તેણે પોલીસ મથકના બાથરૂમમાં સાફ-સફાઈ માટે રાખેલી બ્લૂ કલરની હાર્પિકની બોટલમાંથી એક ઘૂંટડો પી લીધો હતો. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.ડી. હડીયા વધુ તપાસ કરી રહ્યા છે.








































