ભાવનગર જિલ્લામાં પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા દારૂબંધી માટે કડકમાં કડક પગલાં લેવા તમામ અધિકારીઓ ને સૂચનાઓ આપી હોવા છતાં શહેર જિલ્લામાં દારૂનું વેચાણ બંધ થયું નથી, જેને લઈને યુવાધન બરબાદીના રસ્તે આગળ વધી રહ્યું છે. ત્યારે આવી જ એક ઘટનામાં ડુપ્લીકેટ દારૂનો નશો કરનાર ૩ યુવાનોના મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના ખરકડી ગામના કેટલાક યુવાનોએ ૧૬ ઓગસ્ટના દિને વાડી વિસ્તારમાં મિત્રો સાથે મહેફિલ યોજી હતી.
વિદેશી દારૂની બોટલ મંગાવી નશાનું સેવન કર્યું હતુ, પરંતુ ઈંગ્લીશ દારૂની બોટલ ડુપ્લીકેટ આવી જતા નશો કરનાર તમામ યુવકો બેભાન થઈ ગયા હતા, તબિયત લથડ્યા બાદ કલાકો સુધી ભાનમાં નહિ આવતા તમામ યુવાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઉપેન્દ્રસિંહ ગોહિલ નામના યુવકે સારવાર દરમ્યાન દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી, દારૂ પીવાના કારણે યુવાનનું મોત થતા એસપી દ્વારા તાત્કાલિક કાર્યવાહીના આદેશ કરતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો, હાલ ભાવનગર એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લાના ખરકડી ગામે બે દિવસ પૂર્વે યોજાયેલી દારૂની મહેફિલ હવે જીવલેણ સાબિત થઈ છે. કથિત રીતે વિદેશી અને ઝેરી દારૂનો નશો કર્યા બાદ અનેક લોકોની તબિયત લથડતાં તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં અગાઉ સારવાર દરમિયાન ઉપેન્દ્રસિંહ ગોહિલ નામના યુવાનનું મોત નિપજ્યું હતું, જે બાદ આજે વધુ બે લોકોએ દમ તોડી દીધો છે. જેમાં નરેન્દ્રસિંહ નામના યુવાનનું શંકાસ્પદ મોત અને કાર્તિક નામના યુવાનનું દારૂના કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક વધ્યો છે. આ ઉપરાંત વધુ ૨૦ જેટલા લોકોની તબિયત બગડતાં તેઓને પણ દાખલ કરવામાં આવ્યા છે. ઝેરી દારૂકાંડનો આ મામલો ગરમાતાં કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પોલીસ વિભાગ દ્વારા પણ સમગ્ર ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
તપાસ દરમ્યાન પોલીસ દ્વારા નકલી દારૂની બોટલો વેચતા ૪ જેટલા બૂટલેગરોની અટકાયત કરવામાં આવી છે. અને ડુપ્લીકેટ દારૂનો મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે. તેમજ આ નકલી બોટલો અંગે તપાસ માટે એફએસએલ (ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી) ને સેમ્પલ તાત્કાલિક તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. સમગ્ર મામલે ભાવનગર એસપીએ તમામ ડિવિઝનના અધિકારીઓ સાથે બેઠક યોજી તપાસના આદેશો આપ્યા છે
ભાવનગર જિલ્લામાં ડુપ્લીકેટ દારૂનો નશો કરવાનાં કારણે યુવાનનું મોત થતા જિલ્લા પોલીસ અધિક્ષકે પ્રેસ કોન્ફરન્સ બોલાવી માહિતી આપી હતી, પોલીસે મુખ્ય સપ્લાયર અને બૂટલેગરો અંગે પ્રાથમિક તપાસ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકીનું નામ સામે આવતા પોલીસ દ્વારા મુખ્ય સપ્લાયર અને અન્ય સબ-સપ્લાયરો મળીને
૩ થી ૪ લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે અને બાકીના આરોપીઓને પકડવાની પ્રક્રિયા હાથ ધરી છે. સાથે આરોપીઓ પાસેથી ૯૦% જેટલો મુદ્દામાલ અને ડુપ્લીકેટ દારૂની બોટલો રિકવર કરી લેવામાં આવી છે.
પ્રાથમિક વિગતો મુજબ આ ડુપ્લીકેટ (રોયલ સ્ટેગ) દારૂ મધ્યપ્રદેશથી આવ્યો હોવાનું સામે આવ્યું છે. જે અંગે પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. દારૂમાં કયા પ્રકારનું કેમિકલ કે દ્રવ્ય ભેળવવામાં આવ્યું હતું તેની ચોક્કસ માહિતી માટે એફએસએલ (ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી) અને તબીબી રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે, પોલીસ અધિક્ષક દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. કે જે લોકોએ આવી ડુપ્લીકેટ બોટલમાંથી દારૂનું સેવન કર્યું હોય અથવા તબિયત અંગે થોડી પણ શંકા હોય તો, તેઓએ તાત્કાલિક નજીકની હોસ્પિટલ પહોંચીને સારવાર શરૂ કરાવવી જોઈએ. યોગ્ય અને સમયસર તબીબી સારવાર મળવાથી બાકીના ભોગબનનાર લોકોની સ્થિતિ હાલ સ્થિર છે. આવી નકલી બોટલો વેચનારાઓ અંગે કોઈ પણ માહિતી હોય તો તરત જ સ્થાનિક પોલીસનો સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે.
જાકે અન્ય એક નરેન્દ્રસિંહ યાદવ નામના વ્યક્તિનું મોત થયા અંગે ચાલી રહેલી ચર્ચા અંગે પૂછવામાં આવતાં એસપી એ સ્પષ્ટતા કરતા કહ્યું હતુ, કે હાલ પોલીસ પાસે તે સંબંધિત કોઈ સત્તાવાર કે ઓન-પેપર રિપોર્ટ ઉપલબ્ધ નથી, પરિવાર સાથે સંપર્ક કરીને તથ્યો જાણવા પ્રયાસ કરવામાં આવશે. તેમજ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ વધુ વિગતો જાણી શકાશે. જાકે અધિકારીએ એ પણ જણાવ્યું કે અત્યાર સુધીમાં ૪ થી ૫ લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે. તેમજ અમારું મુખ્ય ફોકસ રોયલ સ્ટેગની નકલી બોટલો ક્યાં-ક્યાં સપ્લાય થઈ છે અને કોણે વેચી છે તેને શોધીને કડક કાયદાકીય કડક પગલાં લેવામાં આવશે.