અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે પ્રિ-એક્ટિવ સિમકાર્ડના મોટા રેકેટનો પર્દાફાશ કરી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે બે આરોપીઓને ઉત્તરાખંડના હરિદ્વારથી ૧૦૮ પ્રિ-એક્ટિવ સિમકાર્ડ સાથે ઝડપી પાડ્યા હતા. આ સિમકાર્ડનો ઉપયોગ સાયબર ક્રાઇમ સહિત એવા ગુનાઓમાં થવાનો હતો, જેમાં આરોપીઓની ઓળખ ઝડપથી બહાર ન આવે. સમગ્ર મામલે ડીસીપી ભગીરથસિંહ ગઢવીના માર્ગદર્શન હેઠળ કાગડાપીઠ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને બાતમીના આધારે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બે વ્યÂક્તઓ આવતા તેમની પાસેથી વોડાફોન-આઈડિયા, જિયો અને એરટેલના કુલ ૧૦૮ પ્રિ-એક્ટિવ સિમકાર્ડ મળી આવ્યા હતા. ઝડપાયેલા ઉત્તરાખંડના આરોપીઓના નામ નહુર અલી શમશાદ અલી રાવત અને કાસિફ અલી મુઝફ્ફર શાહ રાવત છે, જ્યારે તેમની પાસેથી સિમકાર્ડ લેનાર અમદાવાદના હરપાલસિંહ રાજેન્દ્રસિંહ પરમારની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી પાંચ બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટ મશીન પણ મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ગ્રાહકોને સિમ એક્ટિવેશન દરમિયાન કોઈ ભૂલ હોવાનું કહી ફરીથી પ્રક્રિયા કરાવતા હતા અને આ બહાને ગ્રાહકોના નામે બે-ત્રણ વધારાના સિમકાર્ડ મેળવી લેતા હતા. આ રીતે લાંબા સમયગાળા દરમિયાન ૧૦૮ સિમકાર્ડ એકત્ર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અન્ય રાજ્યોના સરનામાવાળા અને અન્ય વ્યક્તિઓના નામે રહેલા સિમકાર્ડનો ઉપયોગ કરીને સાયબર ક્રાઇમ અને અન્ય ગુનાઓમાં આરોપીઓ પોતાની ઓળખ છુપાવવા માંગતા હતા. અન્ય રાજ્યનું સરનામું હોવાથી સ્થાનિક પોલીસ માટે આરોપી સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી થાય અને સિમના મૂળ માલિકની ઓળખ સામે ન આવે તે માટે આ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હોવાનું પોલીસનું માનવું છે. આ સિમકાર્ડ ઉત્તરાખંડથી અમદાવાદમાં લાવનાર આરોપીઓ તે ૮૦૦ રૂપિયાથી લઈને ૧ હજાર રૂપિયામાં વેચવાના હતા. ત્યારબાદ અમદાવાદમાં તેને ૧૫૦૦ રૂપિયાથી ૨ હજાર રૂપિયા કે તેનાથી વધુ કિંમતે વેચવાની શક્્યતા હતી. વધુ જરૂરિયાત ધરાવતા ગ્રાહકો પાસેથી વધુ રકમ વસૂલવામાં આવતી હોવાની પણ પોલીસને આશંકા છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, ઉત્તરાખંડના બંને આરોપીઓ છેલ્લા એકથી બે વર્ષથી સિમકાર્ડ સંબંધિત કામ કરતા હતા. તેઓ ૧૦ અને ૧૨ ધોરણ સુધી અભ્યાસ કરેલા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અમદાવાદનો આરોપી હરપાલસિંહ ખમણની લારી ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સામાન્ય વ્યવસાય કરતા હોવા છતાં તે આ પ્રકારના ગેરકાયદે સિમકાર્ડના વ્યવસાયમાં કેવી રીતે જાડાયો અને તેની સાથે અન્ય કોણ સંકળાયેલું છે તે અંગે તપાસ ચાલુ છે.
આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. જોકે વોટ્‌સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અથવા અન્ય કોઈ માધ્યમથી ચોક્કસ રીતે સંપર્ક કેવી રીતે થયો, આ સિમકાર્ડ અગાઉ અન્ય રાજ્યોમાં કોને આપવામાં આવ્યા હતા, અગાઉ કેટલી વખત આ પ્રકારની ડિલિવરી કરવામાં આવી હતી અને કોઈ ગુનામાં તેનો ઉપયોગ થયો છે કે નહીં તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ મામલે ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં પ્રિ-એÂક્ટવ સિમકાર્ડ એક વ્યક્તિ સુધી પહોંચવા પાછળ મોટું નેટવર્ક હોવાની શક્યતા છે. આરોપીઓ અગાઉ કેટલી વખત આ પ્રકારનું કામ કરી ચૂક્યા છે, તેમને આ સમગ્ર પદ્ધતિ કોણે શીખવી અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો જાડાયેલા છે તેની તપાસ માટે પોલીસ વધુ કસ્ટડી મેળવવાના પ્રયાસમાં છે.