ગુજરાત નાણા ધિરાણ અધિનિયમ-૨૦૧૧ની જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવા અમરેલી જિલ્લામાં નોંધાયેલા શાહુકારોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળી દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૧૦ સ્વૈચ્છિક તથા શંકા તપાસ, ૧૪ દેણદાર તપાસ અને એક છુપા ધિરાણ તપાસ કરવામાં આવી હતી. જેના પરિણામે જિલ્લામાં શાહુકારોની સંખ્યામાં અંદાજે ૧૫નો ઘટાડો નોંધાયો છે. અધિનિયમ મુજબ શાહુકારોએ ઈ-કોઓપરેટિવ પોર્ટલ પર માસિક અને વાર્ષિક હિસાબો ઓનલાઈન રજૂ કરવાના રહે છે. વાર્ષિક રૂ. ૪૦ લાખથી વધુ ધિરાણ કરનારોએ વૈધાનિક ઓડિટ અને રૂ. ૫૦ લાખથી વધુ ધિરાણ કરનારોએ સી.એ. પાસે ઓડિટ કરાવવાનું રહેશે. ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં બેદરકારી દાખવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.