ઉના શહેર અને તાલુકામાં રખડતાં શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. શહેરમાં શ્વાનોના ટોળાં રાહદારીઓ તથા વાહનચાલકો પાછળ દોડીને હુમલા કરી રહ્યાં છે, જેનાથી લોકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. ઉનાની સરકારી હોસ્પિટલમાં માત્ર ત્રણ કલાકના સમયગાળામાં શ્વાન કરડવાના આશરે ૨૭ કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા એક મહિનામાં આ સરકારી હોસ્પિટલમાં શ્વાન કરડવાના ૩૦૦થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. શહેરની શેરીઓ, બજારો અને રહેણાંક વિસ્તારોમાં રખડતાં શ્વાનોને કારણે ખાસ કરીને શાળાએ જતાં બાળકો અને વૃધ્ધો માટે ગંભીર જોખમ ઊભું થયું છે. ઈજાગ્રસ્તોને સારવાર અને હડકવા વિરોધી રસી લેવી પડે છે, જેનાથી પરિવારો પર માનસિક અને આર્થિક બોજ વધે છે. સ્થાનિક રહીશ સહિતના નાગરિકોએ માગ કરી છે કે તંત્ર દ્વારા આક્રમક શ્વાનો સામે નિયમ મુજબ કાર્યવાહી કરી તાત્કાલિક ખસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવે.