કલોલમાં રહેતી ૫૨ વર્ષીય મહિલાએ પોતાના સરકારી કર્મચારી પતિ અને સાસરિયાં સામે શારીરિક-માનસિક ત્રાસની સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાના પતિ ઉના ખાતે પુરવઠા વિભાગમાં નોકરી કરે છે.ભારે વરસાદમાં ઘરમાં પાણી ભરાઈ જતાં મહિલા બે દીકરીઓ સાથે બહાર નીકળી ગઈ હતી. ઉનાથી આવેલા પતિ પાસે મહિલાએ કાયમી રહેવાની વ્યવસ્થા માંગતાં, પતિએ ‘મારી પાસે પૈસા નથી, થાય તે કરી લો’ તેમ કહી પત્ની અને દીકરીને ઓગણજ રોડ પર એકલા મૂકીને ચાલ્યો ગયો હતો. પતિના આ તિરસ્કારપૂર્ણ વર્તનથી કંટાળીને મહિલાએ પોતાના હાથ પર બ્લેડ વડે ચેકા મારી નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.










































