પાટણ જિલ્લાના રાધનપુર નજીક એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઈવે પર ઊભેલી એક ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી ઈકો કાર ધડાકાભેર ઘૂસી જતાં આ ભયાનક દુર્ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં ત્રણ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કારમાં સવાર તમામ લોકો રાજસ્થાન સ્થિત પ્રખ્યાત ધામ ખાટુશ્યામજીના દર્શન કરીને પોતાના વતન પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રાધનપુર હાઈવે પર આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. મૃતકો અને ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકો કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના એક જ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ૧૦૬ ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકોના શબને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા ચાર શ્રદ્ધાળુઓને તાત્કાલિક ધોરણે સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એક જ ગામના લોકોના મોતથી અંજાર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.








































