અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓએ ૫ સપ્ટેમ્બરના રોજ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. વિયેતનામની વિયેટજેટ એરની ફ્લાઇટ ફત્ન-૧૮૦૫ દ્વારા હો ચી મિન્હ સિટીથી આવેલા મુંબઈના એક પેસેન્જરના હેન્ડ બેગેજમાંથી આશરે ૫,૫૧૯.૭ ગ્રામ શંકાસ્પદ હાઇડ્રોપોનિક ગાંજા ઝડપાયો છે. ગેરકાયદે બજારમાં જપ્ત કરાયેલા આ ડ્રગ્સની અંદાજિત કિંમત આશરે ૫.૫ કરોડ રૂપિયા જેટલી થાય છે.
પેસેન્જર પ્રોફાઇલિંગ અને એક્સ-રે સ્ક્રીનિંગ દરમિયાન એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને બેગમાં શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. તપાસ દરમિયાન એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટેલા ૨૪ અલગ-અલગ પેકેટમાં લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો. આ પેકેટોને સામાન્ય ખાદ્ય પદાર્થ તરીકે દર્શાવવા માટે ૩ કૂકીઝના બોક્સ અને કોર્ન ફ્લેક્સના એક પેકેટની અંદર ચતુરાઈપૂર્વક છુપાવવામાં આવ્યા હતા.
એનડીપીએસ ફિલ્ડ-ટેસ્ટિંગ કિટ દ્વારા પ્રાથમિક તપાસ કરતાં આ પદાર્થ ગાંજા હોવાની પુષ્ટિ થઈ હતી. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ, ૧૯૮૫ ની જોગવાઈઓ હેઠળ પ્રતિબંધિત સામગ્રી જપ્ત કરીને આરોપી મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા ડ્રગ્સના સ્રોત, તેનો હેતુ અને કોઈપણ મોટા દાણચોરી નેટવર્ક સાથેના કનેક્શનની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.









































