અંજાર શહેરમાં વહીવટી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવતા પત્રો વાયરલ થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. શહેર ભાજપ પ્રમુખ હિતેન વ્યાસ સહિતના નેતાઓએ જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખીને કરેલી ફરિયાદનો પત્ર વાયરલ થયા બાદ જાણે તેમના સમર્થનમાં વધુ ત્રણ જવાબદાર પદાધિકારીઓના પત્રો વાયરલ થતાં સમગ્ર મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
શહેરમાં ચર્ચાતી વિગતો મુજબ, આ આખા વિવાદના મૂળમાં ટેન્ડર પ્રક્રિયાનો વિખવાદ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. પ્રમુખ પતિ સામે ભ્રષ્ટાચાર અને નિયમ વિરૂદ્ધના વહીવટના આક્ષેપો સૌપ્રથમ અંજાર નગરપાલિકાના ત્રણ જવાબદાર હોદ્દેદારોની સહીવાળા પત્રથી આ વિવાદ જાહેરમાં આવ્યો હતો. ત્યારબાદ હવે નગરપાલિકાના અન્ય ત્રણ પદાધિકારીઓ કારોબારી ચેરમેન પ્રકાશ રવિલાલ લોદરીયા, શાસક પક્ષના નેતા આશિષ સી. ઉદવાની અને સુધરાઈના ઉપપ્રમુખ પરેશ ધનજી માલસતરે પણ જિલ્લા ભાજપ પ્રમુખને લેખિત રજૂઆત કરી છે. વાયરલ થયેલા આ નવા પત્રોમાં અંજાર નગરપાલિકાના પ્રમુખના પતિ દ્વારા થતા ભ્રષ્ટાચાર સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
આરોપ છે કે પ્રમુખ પતિ દ્વારા નિયમ વિરૂદ્ધનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, પક્ષ દ્વારા જેની સખત મનાઈ ફરમાવવામાં આવી છે તેવી ફંડ-ફાળા ઉઘરાવવાની પ્રવૃત્તિઓ પણ તેમના દ્વારા કરાતી હોવાના ચોંકાવનારા આક્ષેપો આ વાયરલ પત્રમાં કરવામાં આવ્યા છે. અગાઉ પણ સ્થાનિક ચૂંટણીઓ વખતે અંજાર, માંડવી અને ભુજમાં ભાજપનો આંતરિક વિખવાદ પત્ર સ્વરૂપે સામે આવી ચૂક્યો છે. અંજારના આ તાજા કિસ્સામાં એક પછી એક પાના ખુલતા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. શિસ્તના લીરેલીરા ઉડાડતા આ પત્રને પગલે હવે જિલ્લા સંગઠન આ મામલે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
દરમિયાન અંજાર નગરપાલિકાના પ્રમુખ દ્વારા મિડિયામા સામે આક્ષેપો કરી પોતાને પ્રમુખ બનવામા આવતા તેમને પસંદ ન હોવાનુ જણાવી અત્યંત ઈન્ટરફિયર કરવામાં આવતુ હોવાનું જણાવ્યું હતું







































