અમરેલી જિલ્લામાં ખરીફ ઋતુ દરમિયાન વરસાદ ખેંચાતા ખેતી પાકોના ઉત્પાદન પર અસર ન થાય તે માટે ખેતીવાડી વિભાગે ખેડૂતોને આકસ્મિક પાક આયોજન અંતર્ગત જરૂરી પગલાં લેવા અપીલ કરી છે. જિલ્લામાં ૫,૬૭,૬૬૯ હેક્ટરમાં વાવેતર થયું છે. અત્યાર સુધીમાં સરેરાશ ૬૯૬ મી.મી. સામે ૫૧૪ મી.મી. એટલે કે ૭૩.૮૯ ટકા વરસાદ નોંધાયો છે. પિયતની સુવિધા ધરાવતા ખેડૂતોને એકાંતર ચાસે પિયત આપવા તથા ડ્રીપ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. જમીનમાં ભેજ જળવાઈ રહે તે માટે આંતરખેડ, સમયસર નિંદામણ અને મલ્ચિંગ કરવાની સલાહ આપવામાં આવી છે. કપાસમાં ચુસીયા જીવાતના નિયંત્રણ માટે ભલામણ મુજબ કુદરતી જંતુનાશક અથવા લીંબોળીના તેલનો છંટકાવ કરવા જણાવાયું છે. વધુ માર્ગદર્શન માટે ખેડૂતો ગ્રામસેવક અથવા કિસાન કોલ સેન્ટર ૧૮૦૦-૧૮૦-૧૫૫૧નો સંપર્ક કરી શકે છે.







































