અમરેલી જિલ્લામાં ખનન માફિયા બનાવટી રોયલ્ટી પાસને ખરા તરીકે ઉપયોગ કરીને તંત્રની આંખમાં ધૂળ નાખતા હતા. જોકે તંત્રની સતર્કતાના કારણે આ ઘટનાનો પર્દાફાશ થયો હતો.અમરેલીમાં ભુસ્તરશાસ્ત્રીની કચેરીમાં માઇન્સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ભાર્ગવ રામભાઇ નકુમ (ઉં.વ.૨૮)એ ગીર સોમનાથના ઉના તાલુકાના નાઠેજ ગામના ધવલભાઇ મનુભાઇ સોસા તથા કાર્તિકભાઇ ધીરુભાઇ સોસા સામે ફરિયાદ નોંધાવી હતી. જાફરાબાદ મામલતદાર મુકેશકુમાર દ્વારા તા. ૨૪/૦૬/૨૦૨૬ના રોજ રાત્રિના ૧૦ઃ૩૦ વાગ્યે ચિત્રાસર ગામે બાપા સીતારામની મઢી પાસે વાહન ચેકિંગની કામગીરી દરમિયાન ટ્રેક્ટર નં.GJ-08-DP-5809 અને નંબર વગરની ટ્રોલી સાથે વાહન ચાલક ધવલભાઇ મનુભાઇ સોસા (રહે. નાઠેજ, તા. ઉના, જી. ગીર સોમનાથ)ને રોકી આધાર-પુરાવા માગતાં, તેણે રોયલ્ટી પાસ મોબાઇલ ફોનમાં બતાવ્યો હતો. રોયલ્ટી પાસમાં વજન આંકડામાં ૭ (Seven) MT લખેલું હોવાથી શંકા જતાં ઊઇ કોડ વેરિફાય કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આ રોયલ્ટી પાસ હકીકતમાં વાહન નં. GJ-08-BF-2672નો હોવાનું ધ્યાને આવ્યું હતું.આમ, વાહન ચાલકે રોયલ્ટી પાસમાં એડિટિંગ કરી પોતાના મોબાઇલ ફોનમાં બનાવટી પાસ રાખી તેનો ખરા તરીકે ઉપયોગ કરી મંજૂરી વગર ખનીજનું વહન કરતા ઝડપાઈ ગયો હતો. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી. આર. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.








































