અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા નોરતા નગરી ગરબા ઇવેન્ટ દરમિયાન ગત વર્ષે ઓનલાઇન અને કોમ્પ્લીમેન્ટરી ટિકિટોના વેચાણમાં ૮ થી ૧૦ કરોડ રૂપિયાની મસમોટી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ઇવેન્ટના ભાગીદાર અને પાર્શ્વ ઝવેલર્સના માલિક દર્શન શાહ તથા તેમના સહયોગીઓ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. તે દરમિયાન, આરોપી દર્શન શાહના એડવોકેટે આ સમગ્ર વિવાદમાં પ્લેબેક ગાયક કિર્તીદાન ગઢવી ઉપર ગંભીર આક્ષેપો કરતા દાવો કર્યો છે કે કિર્તીદાન ગઢવીએ તેમના અંગત વ્યક્તિ અર્જુન ભૂતિયા મારફતે આ ખોટી પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે, જેના કારણે આ મામલો વધુ રહસ્યમય બન્યો છે.
સમગ્ર કેસમાં પાર્શ્વ ઝવેલર્સના માલિક દર્શન શાહ સામે ફરિયાદ નોંધાતા મામલો વધુ ગરમાયો છે. દર્શન શાહના એડવોકેટે પોલીસ કાર્યવાહી સામે ગંભીર સવાલો ઉભા કરીને દાવો કર્યો છે કે ઓન પેપર ક્્યાંય પણ દર્શન શાહનું નામ ન હોવા છતાં તેમની ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એડવોકેટના જણાવ્યા મુજબ આ સમગ્ર પ્રકરણ સાથે દર્શન શાહને કોઈ જ લેવાદેવા નથી અને ઇવેન્ટમાં તેમની કોઈ પણ પ્રકારની ભાગેદારી કે નાણાકીય હિસ્સો પણ નથી.
આ વિવાદમાં નવો વળાંક લાવતા દર્શન શાહના એડવોકેટે પ્રખ્યાત લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવી પર સનસનીખેજ આક્ષેપો કર્યા છે. એડવોકેટે દાવો કર્યો છે કે કિર્તીદાન ગઢવીએ તેમના ખાસ વ્યક્તિ અર્જુન ભૂતિયા મારફતે દર્શન શાહ વિરુદ્ધ ખોટી અને પ્રેરિત ફરિયાદ કરાવી છે. આ મામલે હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં સામે પક્ષે યોગ્ય સહકાર આપવામાં આવતો નથી અને તેઓ કોર્ટની કાર્યવાહીમાં સામેલ થતા નથી તેવા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.










































