સુપ્રીમ કોર્ટે ૧૯૯૩ના મુંબઈ શ્રેણીબદ્ધ બ્લાસ્ટના દોષી અને ગેંગસ્ટર અબુ સલેમની અકાળ મુક્તિની માંગણી કરતી અરજી ફગાવી દીધી હતી. નોંધનીય છે કે ૨૭ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે અબુ સલેમની અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે એપ્રિલમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું હતું.અબુ સાલેમે દલીલ કરી હતી કે તેણે માફી સહિત તેની સજાના ૨૫ વર્ષ પૂર્ણ કરી લીધા છે અને તેને મુક્ત કરવો જાઈએ. જાકે, બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે તેની અરજી સમય પહેલા દાખલ કરવામાં આવી હતી. તેનો ૨૫ વર્ષનો કાર્યકાળ ૨૦૩૦ માં સમાપ્ત થશે. કોર્ટે સાલેમની અરજીને અકાળ અને ખોટી માન્યતા પર આધારિત જાહેર કરી હતી. અબુ સાલેમે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેના નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું હતું. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે અગાઉ ફેબ્રુઆરીમાં અબુ સાલેમની અરજી ફગાવી દીધી હતી.
પોતાની અરજીમાં, અબુ સાલેમે દલીલ કરી હતી કે તેણે પોર્ટુગલથી તેના પ્રત્યાર્પણની શરતો હેઠળ ભારતમાં ૨૫ વર્ષ જેલમાં વિતાવ્યા છે. પીટીઆઈ અનુસાર, ભારત અને પોર્ટુગલ વચ્ચેના પ્રત્યાર્પણ કરારની શરતો હેઠળ, અબુ સાલેમને મૃત્યુદંડની સજા ફટકારી શકાતી નથી અને તેની જેલની સજા ૨૫ વર્ષથી વધુ ન હોઈ શકે.તમને જણાવી દઈએ કે ૧૨ માર્ચ, ૧૯૯૩ ના રોજ મુંબઈમાં એક પછી એક ૧૨ મોટા બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં ૨૫૦ થી વધુ લોકો માર્યા ગયા હતા અને ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં ૨૦૦૫ માં અબુ સાલેમને પોર્ટુગલથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. કોર્ટે મુંબઈ વિસ્ફોટોમાં સંડોવણી બદલ અબુ સાલેમને આજીવન કેદની સજા ફટકારી હતી.










































