અમરેલીના ગાવડકા ગામે વિનય ઉર્ફે ટકો રવજીભાઇ કંબોયાના રહેણાંક મકાન પાછળ જાહેરમાં ગંજીપના વડે હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમાતો હોવાની ચોક્કસ માહિતી અમરેલી રૂરલ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર અચાનક રેઇડ પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન વિનય ઉર્ફે ટકો કંબોયા, કિશનભાઇ વાઘેલા, રોહિત ઉર્ફે સતીષ વાટીયા, જેનીશભાઇ ધામેચા અને વિમલભાઇ ઉડેચા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. જ્યારે મનુભાઇ ઉર્ફે મુન્નાભાઇ વાળા અને ચંપુભાઇ વાળા સહિત ત્રણ ઇસમો પોલીસને જોઇ સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રૂ. ૫,૫૨૦, રૂ. ૫,૦૦૦ ની કિંમતનો એક મોબાઇલ ફોન અને ગંજીપના મળી કુલ રૂ. ૧૦,૦૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. જયારે લાઠી પોલીસ સ્ટેશનના પો.કોન્સ. વિશ્વજીતસિંહ વિરભદ્રસિંહ ગોહિલ દ્વારા બાતમીના આધારે લાઠીમાં રેઇડ કરવામાં આવી હતી. આ રેઇડ દરમિયાન જાહેર જગ્યા પર ગંજીપતાના પાના અને પૈસા વડે તીનપતીનો હારજીતનો જુગાર રમતા ચાર ઇસમો ઝડપાઇ ગયા હતા.પકડાયેલા ઇસમોમાં સજાદભાઇ સેતા, મુસ્તાકભાઇ કુરેશી, રાકેશભાઇ રાઠોડ અને રોનકભાઇ બારૈયાનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી ગંજીપતાના ૫૨ પાના તેમજ રોકડા રૂ.૧૦,૭૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. નાગેશ્રી પોલીસ સ્ટેશનના આર્મ હેડ કોન્સ. કનુભાઈ બાંભણીયા દ્વારા ટીંબી ગામે આવેલ વાણીયા શેરીમા જાહેરમા જુગાર રમતા ઇસમો પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ રેઇડ દરમિયાન ગંજીપત્તાના પાના અને પૈસાવડે તીનપતીનો હારજીતનો જુગાર રમતા ખોડાભાઈ સાંખટ, શામજીભાઈ બાંભણીયા, મુકેશભાઈ બારૈયા, કેશુભાઈ બારૈયા અને સાગરભાઈ વઢવાણા નામના પાંચેય ઇસમો પકડાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.૮૬૫૦ તથા ગંજીપત્તાના ૫૨ પાના કબ્જે કરી પાંચેય આરોપીઓ સામે કાયદેસરનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રાજુલા પોલીસ સ્ટેશનના અનાર્મ પો.કોન્સ. અમીતભાઇ મકવાણા તથા અના.હેડ કોન્સ. એસ.એસ. બાંભણીયા દ્વારા બાતમીના આધારે રાજુલા વિસ્તારમા રેઇડ કરવામાં આવી હતી. આ રેઇડ દરમિયાન જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપત્તાનાં પાના વડે પૈસાની હારજીતનો તીન પત્તીનો જુગાર રમતા જીતુભાઇ ઉર્ફે ગોબરભાઇ સોલંકી, દાદુભાઇ બુકેરા, સીંકદરભાઇ જોખીયા, ઇમ્તીયાઝભાઇ ગોરી, સલીમભાઇ પઠાણ, અકબરભાઇ સૈયદ, મહમંદજેદ કાદરી, સલીમશાહ કનોજીયા, અયાઝભાઇ ગોરી, પ્રીન્સ પરમાર અને ઇરફાનભાઇ જોખીયા નામના અગીયાર ઇસમો પકડાઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂ.૪૨,૦૦૦ તથા ગંજીપત્તાનાં પાના કબ્જે કરી તમામ અગીયાર આરોપીઓ વિરુધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.