બોટાદમાં ચર્ચામાં આવેલા કથિત રૂ.૧ કરોડના તોડકાંડ મામલે હવે ધંધુકાના ધારાસભ્ય અને ગુજરાત કોળી સમાજના પ્રમુખ કાળુભાઈ ડાભીની પ્રતિક્રિયા સામે આવી છે. આ સમગ્ર મામલો કોળી સમાજના એક યુવક સાથે કથિત રીતે તોડકાંડ થયો હોવાના આરોપોને લઈને ચર્ચામાં આવ્યો છે. બોટાદમાં ભાજપની બેઠક દરમિયાન આ મામલે ધારાસભ્ય કાળુભાઈ ડાભીને સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે સમગ્ર ઘટનાને લઈને સ્પષ્ટપણે કહ્યું હતું કે, “જે સાચું હશે તે બહાર આવશે.
કથિત તોડકાંડ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં કાળુભાઈ ડાભીએ જણાવ્યું હતું કે,જો સમગ્ર મામલે જે વાત સામે આવી રહી છે તેમાં સત્ય હશે તો તેઓ સાચી વાતની સાથે ઊભા રહેશે. ધારાસભ્યએ કહ્યું કે, “સાચી વાતમાં હું ચોક્કસ સાથે રહીશ.” તેમના આ નિવેદન બાદ કથિત તોડકાંડના મામલે રાજકીય સ્તરે પણ ચર્ચા વધુ તેજ બની છે.
કાળુભાઈ ડાભીએ વધુમાં જણાવ્યું હતું કે સમાજ પોતાની રીતે જે યોગ્ય હશે તે કામ કરશે. જાકે, તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ સત્યની સાથે રહેશે. આ મામલે ધારાસભ્યએ વધુ વિગતો જાહેર કરવાનું ટાળ્યું હતું. એટલે કથિત તોડકાંડ પાછળની હકીકત શું છે અને સમગ્ર ઘટનામાં કોની ભૂમિકા છે, તે અંગે હાલ અનેક સવાલો ઊભા થયા છે.
બોટાદના કથિત રૂ.૧ કરોડના તોડકાંડ મામલે હાલમાં સમગ્ર ઘટનાની હકીકત શું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે તેમ છે. બીજી તરફ, કોળી સમાજના યુવક સાથે કથિત રીતે તોડકાંડ થયો હોવાના આરોપને લઈને સમાજમાં પણ ચર્ચા જાવા મળી રહી છે. ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ આ મામલે કોઈ એક પક્ષનો બચાવ કરવાને બદલે “જે સાચું હશે તે બહાર આવશે” કહીને પોતાની વાત ટૂંકમાં રજૂ કરી છે. હવે તપાસ આગળ વધે તેમ કથિત તોડકાંડ અંગેના આરોપોમાં કેટલું તથ્ય છે અને સમગ્ર મામલાની વાસ્તવિકતા શું છે, તે સામે આવે તેની રાહ જોવાઈ રહી છે.










































