આંબરડી ખાતે આવેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રીતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષણ માત્ર વ્યવસાય નહીં, પરંતુ ભવિષ્યના ઘડતરનું પવિત્ર દાયિત્વ છે તે ભાવ સાથે વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા નિભાવી હતી. વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કર્યુ હતું અને શિક્ષકત્વની જવાબદારી તથા ગૌરવનો અનુભવ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન સાયન્સ શિક્ષક એચ.એલ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફે સક્રિય સહયોગ આપ્યો હતો. શાળાના આચાર્ય એમ.ડી. માલવિયા તથા મેનેજિંગ ટ્રસ્ટી દિપકભાઈ માલાણીએ વિદ્યાર્થીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.







































