અમદાવાદના સરખેજ વિસ્તારમાં એસ.જી. હાઈવે નજીક કાફેની આડમાં ચાલતા કથિત ગેરકાયદેસર હુક્કાબાર સામે પોલીસે કાર્યવાહી કરી છે. સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે મુનબીન કાફેમાં દરોડો પાડી નિકોટીનયુક્ત તમાકુવાળા હુક્કા સહિત કુલ રૂ.૧૨,૭૪૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
સરખેજ પોલીસની સર્વેલન્સ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે મકરબા પશ્ચિમ ગેટ સામે શ્રી રામ મોટર્સની પાછળ આવેલા મુનબીન કાફેમાં ગેરકાયદેસર હુક્કાબાર ચાલતો હોવાની માહિતી મળી હતી. મળેલી બાતમીના આધારે પોલીસે કાફેમાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન કાફેની અંદર અલગ-અલગ ફ્લેવરના નામે નિકોટીનયુક્ત તમાકુ ધરાવતા હુક્કા મળી આવ્યા હતા. પોલીસે હુક્કાના વિવિધ ફ્લેવરના પેકેટ, હુક્કા તેમજ અન્ય સામગ્રી કબજે કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન હુક્કાબાર ચલાવવાના આરોપસર હર્ષ દેવેનભાઈ ત્રિપાઠી, ઉંમર ૨૩ વર્ષ અને જૈનમ સાલીનભાઈ દોશી, ઉંમર ૨૪ વર્ષની પૂછપરછ કરવામાં આવી હતી. બંને કાફેના સંચાલન સાથે સંકળાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાફેમાંથી મળી આવેલી હુક્કા સામગ્રીને વધુ તપાસ માટે કબજે લેવામાં આવી છે.
સરખેજ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં હુક્કાબારમાંથી કુલ રૂ.૧૨,૭૪૦ની કિંમતનો હુક્કાને લગતો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કાફેમાં હુક્કાબાર કેવી રીતે ચલાવવામાં આવતો હતો અને તેની સાથે અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને ગેરકાયદેસર હુક્કાબાર સામેની મહત્વપૂર્ણ કાર્યવાહી માનવામાં આવી રહી છે.









































