રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચે તે હેતુથી અમરેલી જિલ્લામાં તા. ૨૧ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન સેવા સેતુ ૨.૧ ગ્રામ્ય યોજાશે. આ અંગે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ખાતે બેઠક યોજાઈ હતી. સેવા સેતુના પ્રથમ તબક્કામાં તા. ૧૯ સપ્ટેમ્બર સુધી આધાર નોંધણી અને સુધારા, રેશનકાર્ડ, ઈ-કેવાયસી સહિતની સેવાઓ માટે જરૂરી કામગીરી પૂર્ણ કરાશે. આ ઉપરાંત ગંગા સ્વરૂપા આર્થિક સહાય, મહેસૂલી રેકર્ડમાં વારસાઈ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પીએમ કિસાન સન્માન નિધિ, સોઈલ હેલ્થ કાર્ડ, નમોશ્રી અને કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની સેવાઓનો લાભ પાત્ર લાભાર્થીઓને મળે તે માટે આયોજન કરાયું છે. કલેક્ટરે કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.








































