બાબરા શહેરમાં આવેલા ઐતિહાસિક નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજે તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ સાંજે ૫ વાગ્યે ભાદરવી અમાસના ચાર દિવસીય લોકમેળાનો પ્રારંભ થશે. તાપડીયા આશ્રમના મહંત ઘનશ્યામદાસબાપુ તથા ગુજરાત સરકારના કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે મેળાનો શુભારંભ કરવામાં આવશે. આ પ્રસંગે અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરીયા, લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે. મેળામાં રાજકોટ, અમરેલી, ગોંડલ, જસદણ, જેતપુર, ઢસા અને બોટાદ સહિત સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટશે. વિવિધ ચકડોળ, રાઈડ અને મનોરંજનના સાધનો સાથે વેપારીઓ પણ જોડાશે. નિલકંઠ યુવક મંડળ દ્વારા જાહેર જનતાને ચાર દિવસ મેળાનો આનંદ માણવા આમંત્રણ અપાયું છે.








































