ખાંભા તાલુકાના ડેડાણ ગામે શેરીમાં દારૂડીયાઓના ત્રાસ અંગે ૧૧૨ નંબર પર પોલીસ બોલાવવા બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. આ બનાવ અંગે બંને પક્ષોએ ખાંભા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદો નોંધાવી છે.પ્રથમ પક્ષના પ્રકાશભાઈ રાઠોડના જણાવ્યા મુજબ, તેમના માતાએ શેરીમાં દારૂડીયાઓની હેરાનગતિ અંગે પોલીસને ફોન કર્યો હતો. જેથી ગુસ્સે ભરાયેલા હરીભાઈ જોગદીયા અને તેમના પરિવારે “પોલીસ કેમ બોલાવી” કહી ગાળો આપી ઝપાઝપી કરી હતી. આરોપીઓએ બચકાં ભરી તથા લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સામા પક્ષે કૈલાસબેન જોગદીયાએ ફરિયાદ નોંધાવી છે કે પ્રકાશભાઈ દારૂ પીને શેરીમાં ગાળો બોલતા હતા. ગાળો બોલવાની ના પાડતા પ્રકાશભાઈ તથા તેમના પરિવારે મારપીટ કરી, વાળ પકડી નીચે પછાડી દીધા હતા અને ધમકી આપી હતી.આ ઘટના અંગે ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.જે.રાઠોડે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.