ગુજરાતના વિકાસની વાતો વચ્ચે રાજ્ય સરકારના વધતા દેવાના આંકડાએ હવે ચર્ચા જગાવી છે. રાજ્યમાં રસ્તા, પુલ, પાણી, શિક્ષણ, આરોગ્ય અને અન્ય વિકાસના કામો માટે સરકાર દ્વારા સતત મોટી રકમ ખર્ચવામાં આવી રહી છે. પરંતુ આ વિકાસની સાથે રાજ્ય પર દેવાનો બોજ પણ સતત વધી રહ્યો છે. આ સ્થિતિ સામાન્ય લોકો માટે પણ ચિંતા ઉભી કરે છે, કારણ કે સરકાર પરનું દેવું આખરે રાજ્યની નાણાકીય વ્યવસ્થા અને આવનારા વર્ષોના બજેટ પર અસર કરે છે. તાજેતરમાં સામે આવેલી વિગતો મુજબ વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં ગુજરાતનું જાહેર દેવું ૪.૩૦ લાખ કરોડને પાર પહોંચી ગયું છે.આ આંકડો એટલા માટે પણ મહત્વનો છે કે માત્ર એક વર્ષ પહેલા એટલે કે ૨૦૨૪-૨૫માં ગુજરાતનું જાહેર દેવું ૩.૭૪ લાખ કરોડ હતું. એટલે એક તરફ ગુજરાતને વિકાસના મોડલ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ રાજ્યના દેવામાં પણ મોટો વધારો જાવા મળી રહ્યો છે. જાહેર દેવું વધે ત્યારે સરકારને માત્ર વિકાસના કામો માટે જ નહીં, પરંતુ અગાઉ લીધેલા દેવા પર વ્યાજ અને મુદ્દલ ચૂકવવા માટે પણ મોટી રકમ ફાળવવી પડે છે.
વિધાનસભામાં જમાલપુર-ખાડિયાના સ્ન્છ ઈમરાન ખેડાવાલા દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ રાજ્યના દેવા અને તેની ચૂકવણી અંગે માહિતી આપી હતી. મળેલી વિગતો પ્રમાણે સરકારે અત્યાર સુધીમાં દેવા પર ૨૫ હજાર ૬૦૪ કરોડ વ્યાજ ચૂકવ્યું છે. આ ઉપરાંત મુદ્દલની ચુકવણી પેટે પણ ૧૨ હજાર ૧૨૬ કરોડ ચૂકવવામાં આવ્યા છે. એટલે રાજ્યની તિજારીમાંથી માત્ર દેવાના વ્યાજ અને મુદ્દલની ચૂકવણી પાછળ જ હજારો કરોડ રૂપિયા જતા હોવાનું ચિત્ર સામે આવ્યું છે.હવે આગામી સમયમાં પણ સરકાર સામે દેવાની મોટી ચૂકવણીનો બોજ રહેશે. વિગતો મુજબ મુદ્દલની ચુકવણી ૩૪ હજાર ૨૫ કરોડ રૂપિયા થવાની ધારણા છે. આ રકમ કેટલી મોટી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે આટલી રકમમાંથી રાજ્યમાં અનેક મોટા વિકાસના કામો, શિક્ષણ-આરોગ્યની સુવિધાઓ અથવા સામાન્ય લોકો માટેની વિવિધ યોજનાઓને નાણાં આપી શકાય.
અહીં સવાલ માત્ર દેવું કેટલું છે તેનો નથી, પરંતુ દેવું વધવાની સાથે સરકારની આવકમાંથી કેટલો હિસ્સો તેના વ્યાજ અને મુદ્દલની ચુકવણીમાં જશે તેનો પણ છે. સામાન્ય માણસ જ્યારે ઘર માટે લોન લે છે ત્યારે દર મહિને ઇએમઆઇ ભરવી પડે છે. તેમાં આવકનો એક મોટો ભાગ લોનની ચૂકવણીમાં જાય છે. તેવી જ રીતે સરકાર પર પણ દેવું વધે ત્યારે આવકનો એક હિસ્સો વ્યાજ અને મુદ્દલ ચૂકવવામાં જતો રહે છે. આ કારણે આવનારા સમયમાં સરકાર પાસે લોકો માટે નવી યોજનાઓ અને વિકાસના કામો માટે કેટલી નાણાકીય જગ્યા બાકી રહેશે તે મહત્વનો સવાલ બની રહે છે.ગુજરાતમાં વિકાસ જરૂરી છે અને વિકાસ માટે સરકાર દ્વારા નાણાં ખર્ચવા પણ પડે છે. પરંતુ વિકાસની સાથે રાજ્યની નાણાકીય સ્થિતિ મજબૂત રહે તે પણ એટલું જ જરૂરી છે. કારણ કે આજનું લીધેલું દેવું આવતીકાલે રાજ્યના બજેટ પર જવાબદારી બનીને આવે છે. સામાન્ય ગુજરાતીના મનમાં પણ સવાલ ઉઠી શકે કે વિકાસના કામો માટે લેવાયેલું દેવું કેટલું ઉપયોગી સાબિત થઈ રહ્યું છે અને તેની ચૂકવણીનો બોજ ભવિષ્યમાં કેવી રીતે સંભાળવામાં આવશે?
આથી હવે સરકાર સામે સૌથી મોટો પડકાર વિકાસની ગતિ જાળવી રાખવાની સાથે દેવાને નિયંત્રણમાં રાખવાનો રહેશે. વિકાસના રસ્તા પર આગળ વધતા ગુજરાત માટે માત્ર મોટા આંકડાની યોજનાઓ નહીં, પરંતુ મજબૂત અને સંતુલિત નાણાકીય વ્યવસ્થા પણ જરૂરી છે. ?૪.૩૦ લાખ કરોડથી વધુનું જાહેર દેવું, ?૨૫,૬૦૪ કરોડનું વ્યાજ અને ?૩૪,૦૨૫ કરોડની આગામી મુદ્દલ ચૂકવણીની ધારણા વચ્ચે રાજ્યની તિજારી પર પડતો આ બોજ હવે સામાન્ય લોકોની ચર્ચાનો વિષય બન્યો છે.