અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક વડિયાના ગીચ વસ્તી ધરાવતા સુરગપરા વિસ્તારમાં બપોરના ૧૧થી ૧૨ વાગ્યાના સુમારે ધોળા દિવસે ચોરીની સનસનાટીભરી ઘટના સામે આવી છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં મધ્યમ વરસાદને કારણે દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે.આવા સમયે ગુનાખોરી વધવાની આશંકા વચ્ચે સુરગપરામાં શાકભાજીની દુકાનમાં મજૂરી કરતા એક ગરીબ પરિવારના રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મજૂરી કરીને પાઈ-પાઈ ભેગી કરી બચાવેલા રૂ. ૧૨,૦૦૦ની રોકડ રકમ તસ્કરો તાળા તોડીને ચોરી ગયા હતા. ગરીબ પરિવારની આજીવન બચત લૂંટાઈ જતાં પરિવાર પર આભ તૂટી પડ્‌યું છે. ઘટના બાદ ભોગ બનનારે ૧૧૨ નંબર પર કોલ કરતા પોલીસે આવીને ફોટોગ્રાફી કરી હતી. જોકે, મોડી રાત સુધી કોઈ સત્તાવાર ફરિયાદ દાખલ ન થઈ હોવાનો પીડિત પરિવારે આક્ષેપ કર્યો છે.વડિયામાં અગાઉ પણ ચોરીના બનાવોમાં સમયસર ગુના ન નોંધાતા હોવાથી તસ્કરો બેફામ બન્યા હોવાની લોકચર્ચા છે. પીડિત પરિવારે મીડિયા મારફતે ત્વરિત કાર્યવાહી કરી ચોરી થયેલા નાણાં પરત અપાવવા માંગ કરી છે.

કાયદો અને વ્યવસ્થા સામે સવાલો

વડિયામાં સતત વધતી ચોરીઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી રહી છે. પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેમ તસ્કરો ધોળા દિવસે ચોરીઓ આચરી રહ્યા છે. સ્થાનિક લોકોમાં ફેલાયેલા અસંતોષ વચ્ચે પોલીસે સઘન પેટ્રોલીંગ શરૂ કરી ચોરોને સપાટાભેર ઝડપી પાડવા જરૂરી બન્યું છે.