ગુજરાતમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા, પરંતુ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ મહેર કરતા ધરતીપુત્રોમાં આનંદની લહેર દોડી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં મેઘાવી માહોલ સર્જાયો હતો. દિવસ દરમિયાન અમરેલી શહેર સહિત વિવિધ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો હતો. અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળીયા, માચીયાળા, વરસડા અને ઈશ્વરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્સાહજનક વરસાદ થયો છે. વરસાદના અભાવે સુકાઈ રહેલા પાકને યોગ્ય સમયે પાણી મળી જતાં મોલાતને નવજીવન સાંપડ્યું છે, જેનાથી ખેતીને મોટો ફાયદો થવાની આશા જાગી છે. બાબરા તાલુકામાં પણ મેઘરાજાએ સારી હાજરી નોંધાવી હતી. જામબરવાળા, ખાખરીયા, પાનસડા, ગરણી અને કરીયાણા સહિતના ગામોમાં ક્યાંક હળવા ઝાપટાં તો ક્યાંક મુસળધાર વરસાદ વરસ્યો હતો. બાબરા પંથકના ખેતરોમાં પાણી ભરાતાં કપાસ અને મગફળી જેવા ઉભા પાકને સંજીવની મળી છે. આ ઉપરાંત વડિયા, લાઠી અને લીલીયા પંથકમાં પણ દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદી ધારા વરસી હતી. પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી ત્યારે જ થયેલા આ વરસાદથી ખેડૂતોએ ભારે હાસકારો અનુભવ્યો છે.જિલ્લાના અન્ય વિસ્તારો જેવા કે રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી અને સાવરકુંડલા શહેર તેમજ તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ નોંધાયો હતો. કુંકાવાવ અને લીલીયા તાલુકામાં બે ઈંચ જેવો વરસાદ પડયો હતો જયારે બાબરા, લાઠી, અમરેલી સહિતના તાલુકામાં એક ઈંચ જેવો વરસાદ નોંધાયો હતો. જયારે બગસરા, જાફરાબાદ અને સાવરકુંડલામાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. વરસાદના લીધે અમરેલી શહેરના નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ભરાયા હતા.વરસાદી માહોલ હજુ પણ યથાવત છે. જો આગામી દિવસોમાં વધુ વરસાદ થશે તો જળ સ્તર ઊંચા આવશે અને ખેતીના પાકને વિપુલ પ્રમાણમાં લાભ થશે.








































