સાવરકુંડલામાં લોકમેળામાં મોતના કૂવાની રાઈડ જોવાના મનદુઃખમાં કુહાડીનો ઘા ઝીંક્યો હતો, તેમજ ઢીકાપાટુ મારીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે કુલદીપભાઈ પ્રવીણભાઈ કોટીલા (ઉં.વ.૨૭)એ વિજયભાઈ બટુકભાઈ બાંભણીયા, મિલનભાઈ બાંભણીયા તથા મેહુલભાઈ બાંભણીયા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, વી.ડી. કાણકીયા કોલેજના પાછળના ભાગે લોકમેળાનું આયોજન થયું હતું. ત્યાં તેઓ તેના મિત્રો સાથે મેળામાં મોતના કૂવાની રાઈડનો શો જોવા ગયા હતા. દાદરા ચડતી વખતે વિજયભાઈ બાંભણીયાએ તેમની તથા સાક્ષીઓ સાથે રાઈડનો શો જોવા બાબતે બોલાચાલી કરી હતી.જે બાદ આરોપીએ તેના પિતાને ફોન કરી સમાધાન કરી લેવા તેના મંડપ સર્વિસના ગોડાઉને બોલાવતા, તેઓ તથા સાક્ષીઓ ગોડાઉનની અંદર જઈ આરોપીઓ સાથે વાતચીત કરતા હતા. આ દરમિયાન આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને કુહાડી વડે મારી નાખવાના ઈરાદાથી માથામાં જમણી બાજુ કાનના ઉપરના ભાગે કુહાડીનો એક ઘા મારી છ ટાંકા આવે તેવી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત લોખંડનો પાઈપ ડાબા ખભા પર મારી મૂંઢ ઈજા કરી હતી, તેમજ ઢીકાપાટુનો મૂંઢમાર મારી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.








































