નવી દિલ્હીના દક્ષિણ જિલ્લામાં આવેલા આયા નગર વિસ્તારમાં સોમવારે સવારે જિમ ટ્રેનરની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ બે હુમલાખોરોએ જિમ ટ્રેનર પર ૧૦થી ૧૨ રાઉન્ડ સુધી ફાયરિંગ કર્યું હતું. ગોળીબારમાં ગંભીર રીતે ઘવાયેલા ટ્રેનરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
મળતી માહિતી પ્રમાણે આ બનાવ સવારે આશરે સાડા ૧૦ વાગ્યે બન્યો હતો. અચાનક થયેલા ગોળીબારના કારણે આયા નગર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારની તપાસ શરૂ કરી હતી.
પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે. સાથે જ આસપાસના વિસ્તારોમાં લાગેલા કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસનું માનવું છે કે ફૂટેજના આધારે બંને હુમલાખોરોની ઓળખ કરવામાં મદદ મળી શકે છે. પ્રાથમિક તપાસમાં પોલીસને હત્યા પાછળ અંગત અદાવત હોવાની શંકા છે. મૃતકનો કોઈ વ્યક્તિ સાથે અગાઉથી વિવાદ ચાલી રહ્યો હતો કે કેમ, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ હુમલાખોરોની ઓળખ અને હત્યા પાછળના ચોક્કસ કારણને શોધવાનો પ્રયાસ કરી રહી છે.હત્યાને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી સંભવિત સ્થળોએ તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે તેવી પોલીસને આશા છે.









































