વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ યથાવત્ રહ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી મહેર કરી છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જાવા મળ્યું હતું અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદથી લઈને ભારે ઝાપટાં પડ્યાં હતાં. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. જિલ્લાની સાથે આસપાસના સંઘ પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ હવામાનમાં પલટો આવ્યો છે. સતત વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક નીચાણવાળા રસ્તાઓ અને કોઝવે પર પાણી ફરી વળ્યાં છે.વલસાડના ડુંગરાળ અને સીમાવર્તી તાલુકા કપરાડામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૦૩ મીમી એટલે કે ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે કરચોણથી દૂધની તરફ જતા માર્ગ પર આવેલો લો-લેવલ કોઝવે પાણીના પ્રવાહમાં ગરકાવ થયો છે. આ ઉપરાંત બુરલા ગામ નજીક કોલક નદી પર બનાવવામાં આવેલો પુલ પણ પાણીમાં ડૂબી ગયો છે. પરિણામે સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.
કપરાડા તાલુકાના ઉપરવાસમાં વરસાદ પડતાં ગ્રામ્ય વિસ્તારોના કેટલાક માર્ગો પર પાણી ફરી વળ્યું છે. લો-લેવલ બ્રિજ અને કોઝવે પાણીમાં ગરકાવ હોવા છતાં કેટલાક સ્થાનિકો અને વાહનચાલકો જાખમ લઈને રસ્તો પાર કરતા જાવા મળી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ચોમાસા દરમિયાન સામાન્યથી વધુ વરસાદ પડતાં જ કપરાડાના કેટલાક કોઝવે અને નીચાણવાળા પુલો પર પાણી ફરી વળે છે. આ સ્થિતિના કારણે વરસાદી સિઝનમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
લાંબા સમય સુધી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. જાકે, છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસાદ થતાં ખેડૂતોમાં રાહત અને ખુશી જાવા મળી રહી છે. વરસાદના કારણે ખેતરોમાં ઉભેલા પાકને પણ ફાયદો થવાની આશા છે. સતત વરસાદ અને ઠંડા પવનના કારણે સમગ્ર જિલ્લામાં વાતાવરણ આહલાદક બન્યું છે. વરસાદથી લોકોને ઉકળાટમાંથી પણ રાહત મળી છે.જિલ્લાના વિવિધ તાલુકાઓમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નોંધાયેલો વરસાદ આ પ્રમાણે રહ્યોઃ
તાલુકો ગઈકાલ સુધીનો વરસાદ છેલ્લા ૨૪ કલાકનો વરસાદ કુલ મોસમી વરસાદ સરેરાશના ટકા
ધરમપુર ૬૧૨ મીમી ૯૪ મીમી ૭૦૬ મીમી ૮૬%
કપરાડા ૬૩૫ મીમી ૧૦૩ મીમી ૭૩૮ મીમી ૯૦%
પારડી ૬૧૫ મીમી ૯૫ મીમી ૭૧૦ મીમી ૮૭%
ઉમરગામ ૬૨૫ મીમી ૯૮ મીમી ૭૨૩ મીમી ૮૮% વલસાડ ૬૨૮ મીમી ૧૦૦ મીમી ૭૨૮ મીમી ૮૯%
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૨૦ મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં ૯૮ મીમી વરસાદ નોંધાતા કુલ મોસમી વરસાદ નો આંકડો ૭૧૮ મીમી થયો છે. જિલ્લામાં મોસમી સરેરાશની સામે વરસાદ ૮૮ ટકા નોંધાયો છે. કપરાડામાં સૌથી વધુ ૧૦૩ મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે વલસાડ તાલુકામાં ૧૦૦ મીમી, ઉમરગામમાં ૯૮ મીમી, પારડીમાં ૯૫ મીમી અને ધરમપુરમાં ૯૪ મીમી વરસાદ નોંધાયો છે. હાલ વરસાદી માહોલ વચ્ચે પાણી ભરાયેલા કોઝવે અને લો-લેવલ પુલ પરથી પસાર થતી વખતે સાવચેતી રાખવી જરૂરી બની છે.









































