ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાવાદ ગામમાંથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. નાની એવી પારિવારિક તકરાર અને ઘરકંકાસે એક આખા હસતા-રમતા પરિવારનો ભોગ લઈ લીધો છે. ફતિયાવાદની નહેરમાંથી પતિ, પત્ની અને તેમની બે ફૂલ જેવી માસૂમ બાળકીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કપડવંજની ફતિયાવાદ નહેરમાં એક પરિવારે સામૂહિક રીતે ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું છે. સ્થાનિક લોકોએ નહેરમાં મૃતદેહો તરતા જાતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ પરિવારે કોઈ ગંભીર ઘરકંકાસ કે પારિવારિક વિવાદને કારણે આત્યંતિક પગલું ભર્યું હતું.
સૌથી વધુ દુઃખદ બાબત એ છે કે આ સામૂહિક આપઘાતમાં માતા-પિતાની સાથે બે માસૂમ બાળકીઓ પણ મોતને ભેટી છે. પોલીસનું માનવું છે કે, પરિવારમાં ચાલતા આંતરિક ઝઘડા અને કંકાસને કારણે કદાચ પરિણીતાએ પહેલા બાળકો સાથે નહેરમાં પડતું મૂક્યું હોય અને ત્યારબાદ પતિએ પણ ઝંપલાવ્યું હોય. જાકે, સાચું કારણ પોલીસ તપાસમાં જ બહાર આવશે.
ઘટનાની જાણ થતા જ આતરસુંબા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી ભારે જહેમત બાદ ચારેય મૃતદેહોને નહેરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે આતરસુંબા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (ઝ્રૐઝ્ર) ખાતે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










































