ગોંડલમાં ગૌ માતાને ‘રાષ્ટ્ર માતા’ તરીકે ઘોષિત કરવાની અને ગૌ-હત્યા વિરુધ્ધ કડક કાયદાના અમલની માંગ સાથે સાધુ-સંતો અને ગૌ પ્રેમીઓ દ્વારા વિશાળ બાઈક રેલી યોજાઈ હતી. આ રેલીનું પ્રસ્થાન માંડવી ચોક સ્થિત શ્રી રામગર બાપુ ગૌ મંદિર ખાતે આરતી કરી કરવામાં આવ્યું હતું. રેલી શહેરના મુખ્ય માર્ગો જેવા કે સેન્ટ્રલ સિનેમા, કોલેજ ચોક અને શ્યામ વાડી ચોક થઈ મામલતદાર કચેરીએ પહોંચી હતી. સમગ્ર માર્ગ પર “ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરો” અને “ગૌ હત્યા બંધ કરો” જેવા ગગનભેદી સૂત્રોચ્ચારોથી વાતાવરણ ગૌમય બની ગયું હતું. પથમેળા ગૌ શાળાના માતાજી અને વિવિધ મહંતોની આગેવાનીમાં યોજાયેલી આ રેલીમાં ૨૫થી વધુ સંસ્થાઓ જોડાઈ હતી. અંતે, ગૌરક્ષા માટે સત્વરે કડક કાયદો લાવવાની માંગ સાથે મામલતદારને લેખિત આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું.










































