ધારીના દુધાળા ગામે પ્રગતિ હાઈસ્કૂલના ગેટ પાસે વિદ્યાર્થિનીના ભાઈને ગાળો આપી ધમકી આપવામાં આવી હતી. આ બનાવમાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે કરમદડી ગામે રહેતા ભવદીપભાઈ જયંતીભાઈ પાટડીયા (ઉ.વ.૨૧)એ વિક્રમભાઈ વિનુભાઈ ગોંડલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમની બહેન દુધાળા ગામે પ્રગતિ હાઈસ્કૂલમાં ભણે છે. બપોરે તેઓ બહેનને લેવા ગયા ત્યારે સ્કૂલના ગેટ પાસે વિક્રમભાઈ વિનુભાઈ ગોંડલીયાએ અગાઉ થયેલી મારામારીનું મનદુઃખ રાખી તેમની બહેન અને તેમને જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સામા પક્ષે વિક્રમભાઈ વિનુભાઈ ગોંડલીયા (ઉ.વ.૧૮)એ અર્જુનભાઈ જયંતીભાઈ પાટડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તેમના કાકાના દીકરાને દુધાળા ગામે પ્રગતિ હાઈસ્કૂલ ખાતે લેવા ગયા હતા, તે વખતે અર્જુનભાઈ પાટડીયા તેમની પાસે આવીને અગાઉ થયેલી મારામારીનું મનદુઃખ રાખી જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. એચ. વાઘ વધુ તપાસ કરી રહ્યા છે.










































