અમરેલી તાલુકાના મોટા કણકોટ ગામે દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ હુમલાની ઘટનામાં રૂમાલ વેરસિંહ મહેડા નામના વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દીપડાએ હુમલો કરતા તેમના માથા, ગાલ અને હાથના ભાગે ઈજા થઈ હતી. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઈજાગ્રસ્ત રૂમાલ વેરસિંહ મહેડાને પ્રથમ લીલીયા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓના હુમલાની વધતી જતી ઘટનાઓને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકોમાં ભય અને ચિંતા જોવા મળી રહી છે. આવા બનાવો અટકાવવા વનવિભાગ દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.










































