સૌરાષ્ટ્રના ખેડૂતો અને ગ્રામજનોને પાણીની સુવિધા વધુ મજબુત બનાવવા રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ અમરેલી જિલ્લામાં વાલ્વ તથા પાઇપલાઇનના કામો માટે કુલ રૂ.૨૦૯ કરોડની મંજૂરી આપવામાં આવી છે. જેમાં બાબરા તાલુકા માટે અંદાજીત રૂ.૭૦ કરોડના કામોને મંજૂરી મળતા તાલુકામાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. લાઠી-બાબરા-દામનગરના ધારાસભ્ય જનક તળાવીયા દ્વારા બાબરા તાલુકાના વિવિધ ગામોમાં પાણીની સમસ્યા અને સિંચાઈની સુવિધા વધારવા સતત રજૂઆતો કરવામાં આવી હતી. તેના પરિણામે આ મંજૂરી મળી છે. આ કામોથી સૌની યોજનાનું પાણી વધુ વિસ્તારો સુધી પહોંચશે અને ખેડૂતોને સિંચાઈમાં મોટી રાહત મળશે. પાણીની સુવિધા વધતા ખેતી અને ગ્રામ્ય વિકાસને વેગ મળશે. આ મંજૂરી બદલ આગેવાનો, ખેડૂતો અને ભાજપના કાર્યકરોએ સરકારનો આભાર માની જનક તળાવીયાને અભિનંદન પાઠવ્યા હતા.