ગોંડલમાં મહિલાને પતિના જામીન કરાવી આપવાની અને પરિવારના અન્ય સભ્યોને ગુનામાં ફસાવી દેવાની ધમકી આપીને રૂ. ૨૬ લાખ પડાવવાના કેસમાં પકડાયેલા પત્રકાર રવિ રામાણી સહિત ત્રણ આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે. એક દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં ત્રણેય આરોપીઓને ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને જેલમાં મોકલવાનો હુકમ કરતાં હવે રાજકોટ જેલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કેસમાં ગોંડલ બી ડિવિઝન પોલીસે પત્રકાર રવિ રામાણી, અજય ગોસ્વામી અને મયુર સોનીની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મળતી વિગતો મુજબ, ગોંડલની એક મહિલાના પતિ ઉચાપતના ગુનામાં જેલમાં બંધ હતા. આ દરમિયાન આરોપીઓએ પોલીસ, જેલ અને કોર્ટમાં પોતાની વગ હોવાનો દાવો કર્યો હતો. પતિને જામીન પર છોડાવવાની અને પરિવારના અન્ય સભ્યોને કેસમાં ફસાવી દેવામાં નહીં આવે તેવી ખાતરી આપવાના બહાને મહિલાને ડરાવી-ધમકાવી હોવાનો આક્ષેપ છે.
ફરિયાદ મુજબ, આરોપીઓએ મહિલાની પાસેથી અલગ-અલગ હપ્તામાં કુલ રૂ. ૨૬ લાખની રકમ મેળવી હતી. આ મામલે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ગોંડલ બી ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે ત્રણેય આરોપીઓને તપાસ માટે એક દિવસના રિમાન્ડ પર લીધા હતા. રિમાન્ડની મુદત પૂર્ણ થતાં તેમને ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ તેમને રાજકોટ જેલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કેસ બાદ ગોંડલ બી ડિવિઝન પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ કે પત્રકાર દ્વારા તોડબાજી, ખંડણી અથવા ધમકી આપવામાં આવી હોય તો ડર્યા વિના પોલીસનો સંપર્ક કરવો.
પોલીસે આવા કોઈપણ બનાવ અંગે ગોંડલ બી ડિવિઝન
પોલીસ સ્ટેશનમાં રૂબરૂ આવી ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે. સાથે જ આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે.








































