ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (બીસીસીઆઇ) એ ટીમ ઇન્ડિયાની પસંદગી સમિતિમાં મોટો ફેરફાર કર્યો છે. ભૂતપૂર્વ ભારતીય સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને આ સમિતિના નવા અધ્યક્ષ અથવા મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાના તેમના અનુભવના આધારે ઓઝાને આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ આ પદ પર અજિત અગરકરનું સ્થાન લેશે. આ ઉપરાંત, ભૂતપૂર્વ ક્રિકેટર રમેશ પોવારને પણ પસંદગી સમિતિમાં નવા સભ્ય તરીકે ઉમેરવામાં આવ્યા છે.
બીસીસીઆઇ ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્યો અશોક મલ્હોત્રા અને જતીન પરાંજપેએ નવી પસંદગી સમિતિના સભ્યની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી. મુંબઈમાં મ્ઝ્રઝ્રૈં મુખ્યાલયમાં તમામ અરજીઓની સમીક્ષા અને ઇન્ટરવ્યુ લીધા પછી, તેમણે સર્વાનુમતે રમેશ પોવારને આ પદ માટે પસંદ કર્યા.
રમેશ પોવારે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારત માટે બે ટેસ્ટ અને ૩૧ વનડે રમી હતી. ત્યારબાદ તેમણે મુંબઈ અને ગુજરાતમાં ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચ તરીકે અને બીસીસીઆઇ સેન્ટર ઓફ એક્સેલન્સમાં બોલિંગ કોચ તરીકે સેવા આપવા સહિત અનેક વરિષ્ઠ કોચિંગ હોદ્દાઓ સંભાળ્યા. ભારતીય મહિલા ટીમ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ટીમને એશિયા કપ ટાઇટલ અને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ અપાવ્યો.
ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ માટે નવી પસંદગી સમિતિનું નેતૃત્વ હવે પ્રજ્ઞાન ઓઝા કરશે. તેમની સાથે શિવ સુંદર દાસ, આરપી સિંહ, અજય રાત્રા અને રમેશ પોવાર સભ્યો તરીકે જાડાયા છે. આ સમગ્ર પસંદગી સમિતિનું પ્રાથમિક કાર્ય ટીમ માટે શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરવાનું અને મેચ માટે યોગ્ય ટીમ સંયોજન વિકસાવવાનું છે. હવે, ઓઝાના નેતૃત્વ હેઠળની આ સમિતિ પાસે ખેલાડીઓના પ્રદર્શન અને ટીમની જરૂરિયાતોના આધારે ન્યાયી અને નિષ્પક્ષ નિર્ણયો લેવાની મહત્વપૂર્ણ જવાબદારી રહેશે.
બીસીસીઆઇએ તેના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર અજિત અગરકરના કાર્યની ખૂબ પ્રશંસા કરી છે. બોર્ડે તેમના સમર્પણ, સખત મહેનત અને યોગદાન બદલ તેમનો આભાર માન્યો હતો. અગરકરને જુલાઈ ૨૦૨૩ માં મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, અને તેમના કાર્યકાળ દરમિયાન, ભારતીય ક્રિકેટ ટીમે નોંધપાત્ર સફળતા મેળવી હતી. આ સમયગાળા દરમિયાન, ભારતે ત્રણ આઇસીસી ટ્રોફી, બે એશિયા કપ અને બે સતત એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ જીત્યા હતા.







































