અમદાવાદ જિલ્લાના ધંધુકા હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર બાદ કારમાં આગ લાગતાં ચાલકનું મોત થયું હતું. ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરી સર્જાઈ હતી અને વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
મળતી માહિતી મુજબ, ધંધુકા હાઈવે પરથી પસાર થતી કારને ડમ્પરે ટક્કર મારી હતી. અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. આગને કારણે કારચાલક બહાર નીકળી શક્્યો ન હોવાનું પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે.ઘટનાની જાણ થતાં ધંધુકા પોલીસ અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવે પરથી ખસેડવામાં આવ્યાં હતાં અને વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કારચાલકની ઓળખ સંજય કણજારિયા તરીકે થઈ છે. તેઓ ધંધુકાના રહેવાસી હોવાનું જણાવાયું છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. ડમ્પરચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.