જાફરાબાદ પંથકમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં એક સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષક દ્વારા ધોરણ-૮માં અભ્યાસ કરતી ચાર વિદ્યાર્થિનીઓનું છેલ્લા આશરે બે વર્ષથી જાતીય શોષણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શિક્ષક ચા બનાવવાના બહાને વિદ્યાર્થિનીઓને બોલાવી તેમની સાથે અયોગ્ય વર્તન અને દુષ્કર્મ આચરતો હોવાની વિગતો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે જાફરાબાદ ટાઉન પોલીસે પોક્સો એક્ટ અને દુષ્કર્મ સંબંધિત ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપી તરીકે રામશંકર બટુકભાઈ પંડ્‌યાનું નામ સામે આવ્યું છે. આરોપી હાલ જાફરાબાદ પંથકના એક ગામની સરકારી શાળામાં ધોરણ-૨માં શિક્ષક તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે. તે મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેળાવદર ગામનો રહેવાસી છે. આ ઉપરાંત આરોપી અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ કર્મચારી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં ફરજ બજાવતા વ્યક્તિ સામે આ પ્રકારના ગંભીર આક્ષેપો સામે આવતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે રાજુલાના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ નયના ગોરડિયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે જાફરાબાદ ટાઉન પોલીસ મથકમાં પોક્સો એક્ટ અને દુષ્કર્મ સંબંધિત ફરિયાદ નોંધવામાં આવી હતી. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા સમયથી તેના શિક્ષક દ્વારા તેની સાથે અવારનવાર શારીરિક અડપલાં કરવામાં આવતા હતા. તેમજ ગત તા. ૨૧ જુલાઈના રોજ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પણ ફરિયાદમાં વિગતો સામે આવી છે. ડિવાયએસપી નયના ગોરડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષક દ્વારા આશરે બે વર્ષથી વિદ્યાર્થિનીઓ સાથે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. જોકે, વિદ્યાર્થિનીઓએ શરૂઆતમાં આ અંગે કોઈને જાણ કરી ન હતી. આ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવતા ‘મિશન સ્માઈલ’ કાર્યક્રમ અંતર્ગત પોલીસ ટીમ દ્વારા શાળાઓમાં ગુડ ટચ અને બેડ ટચ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમો દ્વારા બાળકોને પોતાના શરીરની સુરક્ષા, અયોગ્ય સ્પર્શ અને આવી ઘટનાઓ અંગે વિશ્વાસુ વ્યક્તિને જાણ કરવાની સમજ આપવામાં આવી હતી. આ જાગૃતિના પરિણામે વિદ્યાર્થિનીઓમાં હિંમત આવી હતી અને તેમણે પોતાની સાથે બનેલી ઘટનાની જાણ વાલીઓને કરી હતી. ત્યારબાદ વાલીઓએ પોલીસનો સંપર્ક કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.