દામનગર નજીક આવેલ સ્વયં પ્રગટ ભૂરખીયા હનુમાનજી દાદાના મંદિરે ગુરુવારના રોજ ૧૦૩મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાઈ ગયો હતો. રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઈના આર્થિક સહયોગથી યોજાયેલ આ કેમ્પમાં કુલ ૭૭ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૩૨ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે તેમજ એક દર્દીને વેલના ઓપરેશન માટે અમરેલી લઈ જવામાં આવેલ છે. આ ઉપરાંત ૨૫ દર્દીઓને રાહત ભાવે નંબરના ચશ્મા બનાવી આપવામાં આવશે. લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી, સુદર્શન નેત્રાલય અમરેલી અને ભૂરખીયા મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પના કારણે આંખના દર્દીઓને સારવારમાં આર્થિક રાહત મળી હતી. કેમ્પના સફળ આયોજન બદલ દર્દીઓ દ્વારા સહયોગી પરિવાર, સંસ્થાઓ અને મંદિર ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.