અમદાવાદના ઘી કાંટા રોડ પર આવેલી બે કોસ્મેટિક્સ દુકાનોમાં એસઓજી ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને જાણીતી મેટ્રિકસ કંપનીના નામ સાથે જાડાયેલી ૧,૨૨૧ નકલી પ્રોડક્ટ્સ જપ્ત કરી છે. જપ્ત કરાયેલા જથ્થાની કિંમત આશરે ૬.૯૦ લાખ હોવાનું જણાવાયું છે. પોલીસે બંને દુકાનના સંચાલકો સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મેટ્રિકસ કંપનીના અધિકૃત પ્રતિનિધિને અમદાવાદના ઘી કાંટા રોડ પર નકલી કોસ્મેટિક્સના વેચાણ અંગે બાતમી મળી હતી. ત્યારબાદ કંપનીના પ્રતિનિધિઓ, પારેખ ઇન્ટેલેક્ચ્યુઅલ સર્વિસીસના પ્રોપરાઇટર અને એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પંચોની હાજરીમાં સંયુક્ત કાર્યવાહી કરી હતી.
પોલીસની તપાસ દરમિયાન પંચભાઈની પોળ પાસે આવેલી ‘માય બ્યુટી સેન્ટર’માંથી શેમ્પૂ, ક્રીમ, ડેવલપર અને હેર માસ્ક સહિતની ૭૭૫ પ્રોડક્ટ્સ મળી આવી હતી. આ જથ્થાની કિંમત ૪.૪૪ લાખ હોવાનું જણાવાયું છે.
જ્યારે પાંચુ મિયાના ડહેલા પાસે આવેલી ‘લક્ષ્મી બ્યુટી શોપ’માંથી ૪૪૬ પ્રોડક્ટ્સ જપ્ત કરવામાં આવી હતી. તેની કિંમત આશરે ૨.૪૬ લાખ હોવાનું જાણવા મળ્યું છે. બંને દુકાનોમાંથી કુલ ૧,૨૨૧ પ્રોડક્ટ્સ જપ્ત કરવામાં આવી છે. પ્રોડક્ટ્સનાં સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન બંને દુકાનના સંચાલકોએ મુંબઈના ક્રોફર્ડ માર્કેટમાંથી કોસ્મેટિક્સનો જથ્થો મેળવવા અંગે વિગતો આપી હતી. એક સંચાલકે નવ્યા એન્ટરપ્રાઇઝિસના માલિક દિનેશ પાસેથી યશ ટ્રાન્સપોર્ટ મારફતે માલ મંગાવ્યાનું જણાવ્યું હતું. બીજા સંચાલકે આર.કે. બ્યુટીના માલિક વિજય પાસેથી મુંબઈ જઈ માલ ખરીદ્યો હોવાની માહિતી આપી હતી.તપાસમાં અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના સેલ્સમેન મારફતે પણ માલની ડિલિવરી થતી હોવાનો ઉલ્લેખ થયો છે. પોલીસ હવે આ સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા લોકોની ભૂમિકા અંગે વધુ તપાસ કરી રહી છે.
પોલીસે માય બ્યુટી સેન્ટરના સંચાલક યશ પ્રભુલાલ ઠક્કર અને લક્ષ્મી બ્યુટી શોપના સંચાલક રીષભ અગ્રવાલ સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જપ્ત કરાયેલી પ્રોડક્ટ્સની તપાસ બાદ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવી શકે છે.










































