તાલાલા ખાતે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ તેમજ સરસ્વતી સન્માન સમારોહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ પ્રસંગે રાજ્યસભાના સાંસદ તરીકે વરાયેલા માનસિંહ પરમારનું સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માન સ્વીકારતા માનસિંહ પરમારે સમાજના વડીલો, ભાઈઓ અને બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સમાજ તરફથી મળેલો આ પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ તેમના માટે અત્યંત ગૌરવની બાબત છે, જે સમગ્ર સમાજની અખંડ એકતા અને ગાઢ વિશ્વાસનું પ્રતીક દર્શાવે છે.
તેમણે સમાજના સર્વાંગી કલ્યાણ અને વિકાસ કાર્યો માટે હંમેશાં કટિબધ્ધ રહેવાની ખાતરી આપી હતી. આ સાથે જ સરસ્વતી સન્માન મેળવનાર સમાજના તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.










































