અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભાડે આપેલું મકાન ખાલી ન કરવા અને ભાડું ચૂકવવાનું બંધ કરી દેવાના આક્ષેપમાં માતા અને પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. સિંગરવા વિસ્તારના અમરનાથપાર્કમાં આવેલા મકાનનો માસિક ભાડું ૪,૫૦૦ હતું. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાવાળી સમિતિની મંજૂરી બાદ નિકોલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, બાપુનગરની ઈન્ડિયા કોલોનીમાં રહેતા અને સુમેલ-૭માં ટૂલ્સનો વેપાર કરતા જિતેન્દ્રકુમાર વસોયાએ વર્ષ ૨૦૧૮માં સિંગરવા Âસ્થત અમરનાથપાર્કમાં મકાન નંબર ૧૫ ખરીદ્યું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં તેમણે આ મકાન શારદાબહેન રાવળને રહેણાંક હેતુ માટે માસિક ૪,૫૦૦ના ભાડે આપ્યું હતું.ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૧૯થી ૨૦૨૩ દરમિયાન સમયાંતરે ભાડા કરાર કરવામાં આવ્યા હતા અને આ સમયગાળા દરમિયાન ભાડું નિયમિત ચૂકવવામાં આવતું હતું.
મકાનમાલિકના આક્ષેપ મુજબ, જાન્યુઆરી ૨૦૨૪થી શારદાબહેન અને તેમના પુત્ર પિન્ટુ રાવળે ભાડું ચૂકવવાનું બંધ કરી દીધું હતું. મકાનમાલિકે બાકી ભાડું ચૂકવવા અને મકાન ખાલી કરવા વારંવાર રજૂઆત કરી હતી. જાકે, બંનેએ મકાન ખાલી કરવાનો ઇનકાર કર્યો હોવાનો આક્ષેપ છે. મકાન ખાલી ન થતાં જિતેન્દ્રકુમારે જિલ્લા કલેક્ટર કચેરીની લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ અરજી કરી હતી. સમગ્ર મામલાની તપાસ બાદ સમિતિએ હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો.આ મંજૂરીના આધારે નિકોલ પોલીસે શારદાબહેન રાવળ અને પિન્ટુ રાવળ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.









































