વડોદરામાં પશુઓને ઢોર ડબ્બામાં પૂરવાની કાર્યવાહી ન કરવા બદલ લાંચ માગવાના કેસમાં મહાનગરપાલિકાના સુપરવાઈઝર અને સિપાઈને અદાલતે ત્રણ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. બંને આરોપીઓને ૨૫,૦૦૦નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ કેસમાં પશુપાલક પાસેથી ૧૫,૦૦૦ની લાંચ લેવામાં આવી હોવાનો આરોપ હતો.કેસની વિગતો મુજબ, ન્યૂ સમા રોડ વિસ્તારમાં રહેતા એક પશુપાલક ૧૬ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ વિશ્વામિત્રી નદીના કોતરોમાં પશુ ચરાવતા હતા. તે દરમિયાન વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીના સુપરવાઈઝર વિક્રમસિંહ મારુતિરાવ બોરાડે ત્યાં પહોંચ્યા હતા અને પશુઓને ઢોર ડબ્બામાં પૂરી દેવાની વાત કરી હતી. ત્યારબાદ પશુપાલકના ઓળખીતા અને મહાનગરપાલિકાના વેરા વિભાગમાં સિપાઈ તરીકે ફરજ બજાવતા ગોપાલભાઈ ઉર્ફે ગોવિંદભાઈ રબારી મારફતે ખંડેરાવ માર્કેટ ખાતે મુલાકાત ગોઠવાઈ હતી. ફરિયાદ મુજબ, સુપરવાઈઝરે કાર્યવાહી ન કરવા માટે શરૂઆતમાં ૨૦,૦૦૦ની માગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે સિપાઈ મારફતે ૧૫,૦૦૦ આપવાનું નક્કી થયું હતું.
આ અંગે પશુપાલકે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવી હતી. એસીબીએ છટકું ગોઠવ્યું હતું, જેમાં ગોપાલભાઈ રબારી ફરિયાદી પાસેથી ૧૫,૦૦૦ની લાંચ લેતાં ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ સુપરવાઈઝર વિક્રમસિંહ બોરાડે સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.આ કેસની સુનાવણી દરમિયાન રજૂ થયેલી દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં લઈને અદાલતે બંને આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા. બંનેને ત્રણ વર્ષની સાદી કેદની સજા અને ૨૫,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.