ખાંભા શહેરના બી.પી.એલ.ના ઢોરા વિસ્તારમાં ખેડૂત મગનભાઈ નાનજીભાઈ પરમારની વાડીમાંથી દીપડાનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ખાંભા રેન્જ વનવિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. વનવિભાગના અધિકારીઓએ સ્થળ તપાસ કરી પંચનામું હાથ ધર્યું હતું. આસપાસના વિસ્તારમાં તપાસ દરમિયાન દીપડાના પગલાંના નિશાન પણ મેળવવામાં આવ્યા હતા. દીપડાના મૃત્યુનું કારણ જાણવા મૃતદેહને ખાંભા રેન્જ કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમના અહેવાલ મુજબ દીપડાનું મોત શરીરના એકથી વધુ મહત્વના અંગો નિષ્ફળ જવાથી થયું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. જોકે, દીપડાના મૃત્યુ પાછળ કોઈ શંકાસ્પદ કારણ કે ઝેરની અસર જવાબદાર છે કે કેમ તે અંગે વનવિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસના અંતે મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.









































