અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી લાકડાની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. લાકડાની માગ વધતા તેની કિંમતમાં પણ વધારો નોંધાયો છે. અગાઉ ૨૦ કિલો લાકડાનો ભાવ આશરે ૧૦૦ હતો, જે હાલમાં વધીને ૧૫૦થી ૧૬૦ સુધી પહોંચ્યો હોવાનું લાકડાના વેપારીઓ જણાવી રહ્યા છે.
ગ્રામ્ય વિસ્તારની સાથે હવે શહેરી વિસ્તારોમાં પણ લોકો લાકડાની ખરીદી તરફ વળ્યા છે. ગેસ સિલિન્ડર સમયસર ઉપલબ્ધ ન થવો, ગેસના ભાવમાં વધારો તેમજ ઘરગથ્થુ જરૂરિયાતો માટે વૈકલ્પીક ઈંધણની જરૂરિયાતને કારણે કેટલાક લોકો લાકડાનો ઉપયોગ કરતા થયા છે. પરિણામે બજારમાં લાકડાની માગમાં વધારો થયો છે.
સાવરકુંડલા શહેરમાં લાકડાનો લાંબા સમયથી વ્યવસાય કરતા તોફિકભાઈ કુરેશીના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા ૩૦ વર્ષથી લાકડાની ખરીદી અને વેચાણના વ્યવસાય સાથે જાડાયેલા છે. તેઓ સાવરકુંડલા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લાકડાની ખરીદી કરીને તેનું વેચાણ કરે છે. સાવરકુંડલા શહેરમાં લોખંડની અનેક ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને ત્યાં પણ લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી સામાન્ય લોકો પણ લાકડાની ખરીદી કરતા થયા છે. જેના કારણે લાકડાની માગમાં વધારો થયો છે.
વેપારીના જણાવ્યા પ્રમાણે, આશરે છ મહિના પહેલા ૨૦ કિલો લાકડાનો ભાવ ૧૦૦ની આસપાસ હતો. જાકે હાલમાં લાકડાના માલની અછત અને માગમાં વધારો થતાં ભાવ વધીને ૧૫૦થી ૧૬૦ સુધી બોલાઈ રહ્યો છે. એટલે કે છ મહિનાની સરખામણીએ ૨૦ કિલો લાકડાના ભાવમાં અંદાજે ૫૦થી ૬૦ ટકાનો વધારો જાવા મળી રહ્યો છે.
લાકડાના ભાવમાં થયેલા આ વધારાની સીધી અસર લાકડાનો ઉપયોગ કરતા ગ્રાહકોના ઘરખર્ચ પર પણ પડી રહી છે. એક તરફ ઈંધણના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ લાકડાની માગ વધવાથી તેના ભાવમાં પણ વધારો થયો છે. સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હાલ લાકડાની ખરીદીમાં વધારો જોવા મળતા આગામી દિવસોમાં તેની માગ અને ભાવમાં શું સ્થિતિ રહે છે તેના પર વેપારીઓ અને ગ્રાહકોની નજર છે.